વિદ્યાર્થીઓ હવે તેમની ઈચ્છા મુજબ અભ્યાસક્રમ પસંદ કરી શકે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી નવા ભવિષ્યનું થશે નિર્માણ, નવી નીતિ અંતર્ગત ભારતનું ભાગ્ય બદલવાનું સામર્થ્ય છે
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૯
પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય શિક્ષા નીતિ (એનઈપી) ૨૦૨૦ની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થયાના પ્રસંગ પર આજે વીડિયો કોન્ફોરન્સિંગના માધ્યમથી દેશ ભરમાં નીતિ નિર્માતાઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા. બીજી તરફ પીએમ મોદીએ એકેડમિક બેન્ક ઓફ ક્રેડિટ સહિત ઘણા શૈક્ષિક પહલ પણ શરૂ કરી હતી. સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનુ ભાગ્ય બદલવાનુ સામર્થ્ય છે. આ નવી શિક્ષણ નીતિથી રિવોલ્યુશનલ ચેન્જ આવશે. જો નિર્ણય ખોટો હશે તો શુ થશે તે ચિંતા નહી રહે. સાથોસાથ ઈ સફલ દ્વારા ઈ વ્યવસ્થા વિદ્યાર્થીઓને પરિક્ષાના ડરથી મુક્તિ અપાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, નવા નવા સ્કિલ અને ઈનોવેશનનો સમય આવશે. આજે નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનુ ભાગ્ય બદલવાનુ સામર્થ્ય છે. સારુ ભણવા માટે વિદેશ જવુ પડે. પણ સારુ ભણવા માટે વિદેશથી લોકો ભારત આવ્યા તે હવે જોવા મળી રહ્યુ છે. આ વિગતો ઉત્સાહ વધારનારા છે. માતૃભાષાને પ્રોત્સાહન આપવાનુ શરુ થયુ છે. પ્લે સ્કુલનો સંકલ્પ હવે દુર દુર ગામડે ગામડે જશે. અને યુનિવર્સિલ કાર્યક્રમ તરીકે અમલી બનશે. રાજ્યો તેમની જરૂરીયાત મુજબ આ કાર્યક્રમને અમલી બનાવશે.આપણે ભાગ્યશાળી હોવાનુ જણાવતા નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દેશના ભવિષ્યનુ નિર્માણ કરશો. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા સમયમાં નવી શિક્ષણ નીતિના અલગ અલગ ફિચરની સાથે નવો યુગ સાક્ષાત્કાર કરાશે. વડાપ્રધાન કહ્યુ કે, સ્થાનિક ભાષાને પણ પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યુ છે. એન્જિનિયરીંગના અભ્યાસમાં તમિલ, મરાઠી, બાગ્લા સહીત કુલ પાંચ ભાષામાં શરુઆત કરાશે. આ ઉપરાંત વધુ ૧૧ ભાષાઓમાં એન્જિનિયરિંગના કોર્ષનુ ભાષાંતર થઈ રહ્યું છે. જેનો સૌથી વધુ લાભ ગરિબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને થશે. દલિત અને આદિવાસીઓને થશે. આવા પરિવારમાંથી આવનારાઓને ભાષાની સમસ્યા નડતી હતી. પરંતુ માતૃભાષામાં શિક્ષણ મળવાથી ગરીબ વિદ્યાર્થીઓ પણ આત્મ વિશ્વાસથી આગળ વધશે. આની સાથોસાથ માતૃભાષાને પણ પ્રાધાન્ય આપવાના કામને અગ્રતા આપવામાં આવી રહ્યું છે. પાછલા એક વર્ષમાં દેશમાં તમામ શિક્ષણવિંદોએ નવી શિક્ષણ નીતિ માટે બહુ જ મહેનત કરી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ૨૧મી સદીના આજના યુવાનો તેમની વ્યવસ્થા અને પોતાનુ ભવિષ્ય તેમની રીતે જ ઘડવા માંગે છે. આવી સ્થિતિમાં આ નવી શિક્ષણ નીતિ તેમને મદદરૂપ થશે. આજે આપણે જોઈ શકીએ છીએ કે, દેશના નાના ગામ અને શહેરના યુવાઓ કેવી કેવી કમાલ કરી રહ્યાં છે. આપણને ટોક્યો ઓલિમ્પિકમાં જોવા મળ્યુ કે કેવી રીતે અંતરીયાળ વિસ્તારના યુવાઓ દેશનુ નામ રોશન કરી રહ્યાં છે. આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સથી લઈને મશીન લર્નિગ સુધીમાં યુવાનો તેમની કમાલ દેખાડી રહ્યા છે. પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. જેમાં સ્ટાર્ટઅપ સિસ્ટમ ક્રાંતિ લાવી રહ્યું છે. ડિજિટલ ઈન્ડિયાને નવી ગતિ આપી રહ્યા છે. કલ્પના કરો કે, જો યુવાનોને તેમના સ્વપ્ન સાકાર કરવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે તો તેઓ કેવી કમાલ કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના યુવાનો હવે ક્યારેય પણ પોતાના ક્ષેત્રમાં બદલાવ કરવા સમર્થ છે. હવે તેમને એવો કોઈ ડર નહી રહે કે, તેમણે તેમનુ જે કોઈ ક્ષેત્ર પસંદ કર્યુ છે તે બદલી નહી શકાય. આ ડર તેમના મનમાંથી નિકળી જાય તો તમામ પ્રકારનો ડર નિકળી જશે. અને તેઓ નવા પ્રયોગ કરવામાં તત્પર રહેશે.