શહેરના રૂવાપરી રોડ પર યોગેશ્વર મંદિર પાસે બપોરના સમયે બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં નિર્દોષ યુવાનને ઈજાઓ થતા તેનું મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા ડીવાયએસપી, એલસીબી ટીમ અને ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચક્ચાર મચી જવા પામી હતી.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના રૂવાપરી રોડ પર યોગેશ્વર મંદિરની પાછળના વિસ્તારમાં રહેતા મહેશભાઈ મનુભાઈ વેગડ અને તેમના ભાઈ ઉમેશભાઈ મનુભાઈ વેગડને નિરમા કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝથી ચાર ટ્રકો ચાલે છે અને તે જ વિસ્તારમાં રહેતા ઘનાભાઈ વાજાના પુત્ર વિપુલભાઈ, અનિલભાઈ અને પરેશભાઈને પણ નિરમા કંપનીમાં એક ટ્રક મુકેલ હોય જે બાબતે પહેલા વારો લેવા બાબતે બન્ને ટ્રક ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી થઈ હોય જેની દાઝ રાખી બે દિવસ પહેલા મહેશભાઈ અને ઉમેશભાઈ પર સામા પક્ષવાળાએ ટ્રક ચડાવી દેવાની કોશિષ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે બન્ને પક્ષે સમાધાન કરવા બપોરના સમયે રૂવાપરી રોડ પર ભેગા થવાના હોય મહેશભાઈ વેગડ અને ઉમેશભાઈ તથા તેમના મિત્ર રવિભાઈ રાઠોડ સહિતના એકઠા થયા હતા. તે વેળાએ સામા પક્ષના વિપુલ ઘનાભાઈ વાજા, અનિલભાઈ ઘનાભાઈ વાજા, પરેશ ઘનાભાઈ વાજા, ઘનાભાઈ, ભુપતભાઈ અને રમેશભાઈ સહિત ૧પ થી ૧૭ વ્યક્તિઓ ધોકા, લોખંડના પાઈપ સહિતના હથિયારો લઈ ધસી આવ્યા અને ત્યાં ઉભેલા ઉમેશભાઈ, મહેશભાઈ અને રવિભાઈ જીતુભાઈ રાઠોડ નામના શખ્સ પર આડેધડ હુમલો કરવા લાગતા ત્રણેય યુવાનોને લોહીયાઈ ઈજાઓ થતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રવિભાઈ જીતુભાઈ રાઠોડ ઉ.વ.રરને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ડીવાયએસપી ઠાકર, એલસીબી પીઆઈ મિશ્રા, ઘોઘારોડ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ ચુડાસમા સહિતના પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને બનાવ અંગેની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. બનાવ બનતા સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામી હતી. આ બન્ને પક્ષની ટ્રકની માથાકુટમાં નિર્દોષ રવિભાઈ રાઠોડે તેનો જીવ ગુમાવ્યો હતો.