(જી.એન.એસ)લખનૌ,તા.૨૯
યુપીના માફિયા અને બીએસપી નેતા મુખ્તાર અન્સારીએ કરેલી અપીલને સ્વીકારી લેવામાં આવી છે અને હવે તેની બેરેકમાં ટીવી મુકવામાં આવશે.
ગત સુનાવણી દરમિયાન તેણે કોર્ટ સમક્ષ ટીવી મુકી આપવા માટે અપીલ કરી હતી. તેણે પોતાની અપીલમાં કહ્યુ હતુ કે, મને રમત ગમતનો શોખ છે અને સ્પોર્ટસ ઈવેન્ટ જોવા માટે મને જેલમાં ટીવી મુકી આપવામાં આવે. જોકે જે તે સમયે કોર્ટે તેની માંગણી નજર અંદાજ કરી હતી પણ હવે આ માંગણી કોર્ટે સ્વીકારીને તંત્રને તેની બેરેકમાં ટીવી લગાવી આપવાની સૂચના આપી છે. કોર્ટે કહ્યુ છે કે, જેલના નીતિ નિયમો અને સરકારના આદેશ પ્રમાણે મુખ્તારના બેરેકમાં શક્ય હોય તો ટીવી મુકવામાં આવે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી.જે બેરેકમાં કેદીઓ એક સાથે રહેતા હોય છે ત્યાં ટીવી લાગેલુ હોય છે. મુખ્તારના બેરેકમાં બીજો કોઈ કેદી નથી અને તે સતત ટીવી લગાવવા માટે અપીલ કરી રહ્યો હતો. હવે કોર્ટે તેની માંગણી સ્વીકારી છે ત્યારે તેને પોતાની બેરકમાં ટીવી જોવાનો મોકો મળશે. મુખ્તાર અન્સારી વિવિધ આરોપો હેઠળ હાલમાં યુપીની બાંદા જેલમાં છે.