સંજય રાઉતે પવારને ભીષ્મ પિતામહ ગણાવતા સ્વામીએ કટાક્ષ કર્યો

153

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૯
મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી અધ્યક્ષ શરદ પવારને વિપક્ષના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જી આકર્ષણનું કેન્દ્ર બનેલા છે પરંતુ કોંગ્રેસ વગર મોદી પર વિજય મેળવવો સંભવ નથી જણાઈ રહ્યો. રાઉતના આ નિવેદનને લઈ ભાજપના સાંસદે ટીખળ કરી હતી અને સવાલ કર્યો હતો કે, શું એટલે જ તેઓ (શરદ પવાર) મનથી પાંડવોની સાથે છે? સોશિયલ મીડિયા પર લોકો સ્વામીની આ ટ્‌વીટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોનું માનવું છે કે, સ્વામીએ પાંડવોનો ઉલ્લેખ ભાજપ માટે કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે, ’પવાર વિપક્ષના ભીષ્મ પિતામહ છે. રાજકારણમાં તેમની સલાહ લઈને અનેક નિર્ણયો લેવામાં આવે છે. જો વિપક્ષ કમજોર હોય તો સમજી લો કે લોકશાહી પણ નબળી છે. અનેક વખત એવું બને છે કે, ક્ષેત્રીય દળોના નેતાઓને રાષ્ટ્રીય સ્તરે આગળ આવવું પડે છે.’ સુબ્રમણ્યમ સ્વામીની વાતના અનેક અર્થ એટલા માટે કાઢવામાં આવી રહ્યા છે કારણ કે, તેમણે પૌરાણિક ચરિત્રના જવાબમાં બીજા પૌરાણિક ચરિત્રોનો ઉલ્લેખ કરી દીધો હતો. મહાભારતની વાત કરીએ તો ભીષ્મ પિતામહ દેખીતી રીતે કૌરવો બાજુ હતા પરંતુ મનથી તેઓ ઈચ્છતા હતા કે પાંડવોનો વિજય થાય. તેઓ સમયે સમયે પાંડવોને વિજય શ્રીનો આશીર્વાદ પણ આપતા રહેતા હતા. જોકે મજબૂરીવશ તેમણે કૌરવો બાજુ રહીને યુદ્ધ લડવું પડ્યું હતું.

Previous articleબીએસપી નેતા મુખ્તાર અન્સારીને બેરેકમાં ટીવી અપાશેઃ કોર્ટે આદેશ આપ્યો
Next articleમાતા-પિતા આત્મમંથન કરે તેમના બાળકો મોડી રાત સુધી બીચ પર શું કરતા હતાઃ ગોવા મુખ્યમંત્રી