સુરત, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં બાળાઓ પર થયેલા દુષ્કર્મની ઘટનાઓને લઇ દેશભરમાં ઉગ્ર વિરોધનો વંટોળ ફુંકાયો છે અને ગુજરાત સહિત દેશભરની જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે ત્યારે પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલે પણ મોદી સરકાર અને ભાજપ સરકારને પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આ સરકાર નપુંસક હોવાથી દીકરીઓને દાંડીયા નહીં પણ કરાટેના ક્લાસ કરાવવા પડશે. દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં ગઈકાલે નિકોલમાં હાર્દિક પટેલની આગેવાની હેઠળ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં મહિલાઓ સહિત ૨૫૧ જેટલા યુવાનો પણ જોડાયા હતા. દેશમાં દિવસે ને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ પ્રત્યે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી લોકોને જાગૃત થવાની અપીલ પણ કેન્ડલ માર્ચ દરમ્યાન કરવામાં આવી હતી. પાસના નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ખોડીયાર માતાના મંદિરેથી બેટી બચાઓ ગાર્ડન સુધી ગઇકાલે રાત્રે ૯.૩૦ કલાકે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ, યુવતીઓ અને જાગૃત નાગરિકો જોડાયા હતા. તમામના હાથમાં પ્રજવલિત મીણબત્તી હતી અને બધાએ શાંતિપૂર્ણ રેલી યોજી જાગૃતતાનો સંદેશો ફેલાવવાની સાથે સાથે દુષ્કર્મની ઘટનાઓનો વિરોધ કરી દોષિતોને ફાંસી આપવાની ઉગ્ર માંગણી કરી હતી. આ કેન્ડલ માર્ચ દરમ્યાન પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે બાળાઓ તથા મહિલાઓ પર થતાં દુષ્કર્મ મામલે સરકાર પ્રહાર કરતા કહ્યું કે, ૧૧ વર્ષની દીકરી સાથે સાત દિવસ સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું તે ખૂબ દુખની વાત છે, હું એટલું કહીશ કે દોષિતોને ફાંસીએ ચઢાવવામાં આવે. તેણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ બધા વચ્ચે એ વાતનું દુખ થાયછે કે ભાજપે આરોપી ધારાસભ્યને હજુ સુધી સસ્પેન્ડ કર્યો નથી. હાર્દિકે વધુમાં જણાવ્યું કે, હવે દીકરીઓને આ દેશમાં દાંડીયાના ક્લાસની જગ્યાએ કરાટેના ક્લાસ પણ કરાવવા પડશે, કેમ કે આ સરકાર નપુંસક છે. રાજ્યમાં રોજે રોજ ચાર-પાંચ દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાંથી કેટલીક ઘટનાઓની ફરિયાદ પણ થતી નથી. તો સરકારને એટલું કહીશ કે, આવા નરાધમો સામે જરૂરી કડક પગલા ભરે.
પાટીદાર આંદોલન માટેના નેતા હાર્દિકે અંતમાં ઉમેર્યું કે, અમે અહીં સરકારનો વિરોધ કરવા નથી આવ્યા, પરંતુ દેશના લાખો કરોડો માં-બાપને જગાડવા માટે ભેગા થયા છીએ. કેમ કે સરકાર તમારૂં માનતી નથી, તો પહેલા તમારે જાગૃત થવું પડશે. તમારી દિકરીઓ, બહેન-માતાઓની રક્ષા માટે સ્વજાગૃતિ કેળવવાનો સમય હવે પાકી ગયો છે.