વિજ્ઞાન પ્રવાહનું ૧૦૦% પરિણામ જાહેર કરાયુ હતું, માસ પ્રમોશનના લીધે ૧.૭ લાખ વિદ્યાર્થી પાસ થઈ ગયા હતા
(સં. સ. સે.) અમદાવાદ,તા.૩૦
વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આવતીકાલે હવે સામાન્ય પ્રવાહ, કોમર્સ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું વર્ષ ૨૦૨૧નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે અંતિમ પરીક્ષા લીધા વગર જ નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. આવતીકાલ એટલે કે ૩૧ જુલાઈના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ િીજેઙ્મં.ખ્તજીહ્વર્.ખ્તિ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. પરિણામ સવારે ૮ વાગ્યે જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરેલા સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામને શાળા પોતાના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડના આધારે લોગ-ઈન કરીને ડાઉનલોડ કરીને પ્રિન્ટ લઈ શકશે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને તેમના ગુણપત્રકની નકલ આપીને તેમના પરિણામની જાણ કરવી પડશે. નોંધનીય છે કે, બોર્ડની પરીક્ષા રદ્દ કરીને વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાની નીતિ પ્રમાણે પરિણામ તૈયાર કરાયું છે એટલે કે વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહ, કોમર્સ તથા ઉ.ઉ.બુનિયાદીનું પરિણામ પણ ૧૦૦% આવશે. આ પહેલા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૧૦૦% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. માસ પ્રમોશનના લીધે ૧.૭ લાખ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતા. જેમાં એ૧ ગ્રેડમાં ૩૨૪૫ વિદ્યાર્થીઓ આવ્યા છે, જ્યારે ૧૫,૨૮૪, એ૨ ગ્રેડ મેળવ્યો છે. બી૧ ગ્રેડમાં ૨૪,૭૫૭ વિદ્યાર્થીઓ આવ્યા છે. ૨૬,૮૩૧ વિદ્યાર્થીઓએ બી૨ ગ્રેડ મેળવ્યો છે. સી૧ ગ્રેડમાં ૨૨,૧૭૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ સી૨ ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨,૦૭૧ થાય છે. અંતમાં ૨૬૦૯ને ડી ગ્રેડમાં આવ્યા છે, ૨૮૯ વિદ્યાર્થીઓ ઈ૧ ગ્રેડમાં અને ૪ વિદ્યાર્થીઓને ઈ૨ ગ્રેડમાં આવ્યા છે. પાછલા વર્ષે કોરોના વાયરસના કારણે સ્કૂલો બંધ થયા બાદ ૨૦૨૦-૨૧ના સત્ર માટે થોડા સમય માટે ખુલ્યા પછી ત્રીજી લહેરના કારણે સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. આવામાં આખું વર્ષ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શક્યા નહોતા જેના કારણે સીબીએસઈ પછી ગુજરાત બોર્ડે પણ માસ પ્રમોશનનો નિર્ણય લીધો હતો.