ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળના પ્રયત્નોથી એર ઓડીસા દ્વારા ભાવનગરથી અમદાવાદ અને સુરતની ડેઈલી વિમાની સેવાનો આજથી રાજ્યમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો સાથોસાથ એરપોર્ટ ખાતે સાંસદ ડો.શિયાળનો અભિવાદન સમારોહ પણ યોજાયો હતો.
રાજ્યમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રેલ્વે, બસ, રસ્તા માર્ગ લોકોનો સમય અને ઈંધણનો બગાડ થતો હતો ત્યારે હવે અમદાવાદ અને સુરતની ડેઈલી વિમાની સેવા શરૂ થતા સામાન્ય પ્રજાજનો, સમાજના નબળા પ્રજાજનો વેપારી ભાઈઓ અને લોકોને ફાયદો થશે. લાંબા અંતરને ટુંકુ કરવામાં આવ્યું છે. જેનાથી લોકોનો સમય બચશે અને પોતાના કામો ઝડપી થશે તેમજ રાજ્યના અન્ય પવિત્ર ધામો તથા મોટા શહેરોમાં પણ આ વ્યવસ્થા પુરી પાડવાના પ્રયત્નો ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમ ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું.
ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળે પોતાના પ્રવચનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયત્નો થકી સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લા માટેની વિમાની સેવાનો પ્રારંભ થયેલ છે ત્યારે આ સેવાનો ભાવેણાવાસીઓએ બહોળા પ્રમાણમાં લાભ લેવા જણાવ્યું હતું.
રાજ્યમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં સાંસદ ડો.શિયાળનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મેયર નિમુબેન બાંભણીયા, પશ્ચિમના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કલેક્ટર ગાંધી, એસ.પી., ચેમ્બર પ્રમુખ વડોદરીયા, ડાયમંડ એસો.ના વિઠ્ઠલભાઈ મેંદપરા, બિલ્ડર એસો.ના અગ્રણીઓ તેમજ વિવિધ ઉદ્યોગકારો સહિતે ભારતીબેનનું ફુલહારથી અભિવાદન કર્યુ હતું.
આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સુરતની વિમાની સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને તેઓ જીતુભાઈ વાઘાણી સહિત સુરત ગયા હતા. આમ આજથી ભાવનગરને અમદાવાદ તથા સુરતથી વિમાની સેવાનો પ્રારંભ થયો હતો.