(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૦
દેશમાં વધી રહેલી મોંઘવારી પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે અને લોકો પરેશાન છે પણ તેનો ફાયદો નાના ઉત્પાદકો, દુકાનદાર અને ખેડૂતોને નથી થઈ રહ્યો. મોંઘવારી પાછળનુ કારણ મોદી સરકાર દ્વારા અંધાધૂધ રીતે થઈ રહેલી ટેક્સ વસુલી છે.
આ પહેલા ગુરુવારે પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકાર સંસદનો સમય વેડફી રહી છે. સંસદમાં કાર્યવાહી દરમિયાન વિપક્ષને બોલવાનો મોકો અપાઈ રહ્યો નથી. સંસદ લોકતંત્રનો પાયો છે અને વિપક્ષ લોકોનો અવાજ સંસદમાં પહોંચાડે છે પણ મોદી સરકાર વિપક્ષને તેનુ કામ કરવા દેતી નથી. સંસદનો સમય બગાડવાની જગ્યાએ સરકારે વિપક્ષને મોંઘવારી, ખેડૂતો અને પેગાસસ મુદ્દે બોલવાની તક આપવી જોઈએ. મોંઘવારી અને પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસ આખા દેશમાં પ્રદર્શન કરી રહી છે. મોંઘવારીના કારણે કોરોનાથી પરેશાન લોકો વધારે હેરાન થઈ રહ્યા છે તેવુ કોંગ્રેસનુ કહેવુ છે.