ઓળખ બાદ પત્રકાર દાનિશ સિદ્દિકીની તાલિબાને નિર્દયતાથી હત્યા કરી હતી

522

(જી.એન.એસ.)ચેન્નાઇ,તા.૩૦
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીનું મૃત્યુ અફઘાનિસ્તાનમાં ક્રોસફાયરથી પણ નથી થયું અને તે સુરક્ષા ચૂકની ઘટના પણ નહોતી. હકીકતે તાલિબાને તેમની ઓળખ જાણ્યા બાદ ખૂબ જ નિર્દયતાથી તેમની હત્યા કરી નાખી હતી. અમેરિકાના એક મેગેઝિનમાં ગુરૂવારે આ ખુલાસો કરવામાં આવ્યો હતો.
૩૮ વર્ષીય સિદ્દીકી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધને કવર કરવા માટે ગયા હતા. કંધારના સ્પિન બોલ્ડક ખાતે તાલિબાન અને અફઘાન સૈનિકો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કવર કરતી વખતે તેમનું મોત થયું હતું. વોશિંગ્ટન એક્ઝામિનર અહેવાલ પ્રમાણે સિદ્દીકી અફઘાન નેશનલ આર્મી ટીમ સાથે સ્પિન બોલ્ડક વિસ્તારમાં હતા. તે વિસ્તાર પાકિસ્તાનને અડીને આવેલો છે. જ્યારે તેઓ કસ્ટમ પોસ્ટથી થોડે દૂર હતા તે સમયે તાલિબાને ટીમ પર હુમલો કરી દીધો હતો. તેમાં કમાંડર અને કેટલાક જવાન સિદ્દીકીથી અલગ થઈ ગયા હતા અને તેમના સાથે ૩ લોકો જ બચ્યા.
હુમલા દરમિયાન સિદ્દીકીને ગોળીઓથી ઘસારો લાગ્યો હતો જેથી તેઓ પોતાની ટીમ સાથે પ્રાથમિક ઉપચાર માટે એક સ્થાનિક મસ્જિદમાં ગયા હતા. એક પત્રકાર મસ્જિદમાં હોવાની વાત ફેલાઈ તે સાથે જ તાલિબાને હુમલો કરી દીધો હતો. જાણવા મળ્યા મુજબ તાલિબાને ફક્ત એટલા માટે જ મસ્જિદ પર હુમલો કર્યો હતો કારણ કે ત્યાં સિદ્દીકી ઉપસ્થિત હતો. રિપોર્ટ પ્રમાણે તાલિબાન દ્વારા બંધક બનાવવામાં આવ્યો ત્યાં સુધી સિદ્દીકી જીવીત હતો. તાલિબાને તેમની ઓળખની પુષ્ટિ કરી હતી અને પછી તેમની હત્યા કરી દીધી હતી. અફઘાન ટીમના કમાંડર અને ટીમના અન્ય સાથી સિદ્દીકીને બચાવવાના પ્રયત્નમાં માર્યા ગયા હતા. અમેરિકી એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યુટમાં વરિષ્ઠ ફેલો માઈકલ રૂબિને લખ્યું હતું કે, તેમણે સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે પ્રકાશિત સિદ્દીકીની તસવીરો જોઈ. સાથે જ અન્ય તસવીરો અને ભારત સરકારમાં એક સ્ત્રોત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા એક વીડિયોની સમીક્ષા કરી હતી. તેનાથી તાલિબાને સિદ્દીકીના માથાની ચારે બાજુ મારપીટ કરીને તેના શરીરને ગોળીઓ વડે ચારણી કરી નાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Previous articleમોંઘવારીનુ કારણ મોદી સરકારની અંધાધૂધ ટેક્સ વસુલાતઃ રાહુલ ગાંધી
Next articleભારતીય પ્રોફેશનલ્સ આનંદોઃ અમેરિકાએ એચ-૧બી વિઝા માટે લોટરી પ્રક્રિયા આયોજીત કરી