શહેરમાં ગેરકાયદે અમલમાં આવી ગયેલા જુદા જુદા સ્થળે આવેલા ટેક્સી સ્ટેન્ડ પણ તંત્રની નજરે ચઢી ગયા છે. કોઇ મંજૂરી કે, લાયસન્સ વિના જ શરૂ કરી દેવાયેલા ટેક્સી સ્ટેન્ડ ખસેડવા માટે જિલ્લા તંત્ર દ્વારા મહાપાલિકાને કહી દેવામાં આવ્યું છે.
પાટનગરમાં ઘણા સ્થળોએ અને વાણિજ્ય વિસ્તારમાં તો ર્પાકિંગ પ્લેસમાં પણ અનેકવિધ પ્રકારના દબાણો થઇ ગયા છે. તેમાં ગેરકાયદે ઉભા થઇ ગયેલા ટેક્સી સ્ટેન્ડ્સનો પણ સમાવેશ થાય છે.થોડા દિવસ પહેલા જિલ્લા દબાણ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઇ તે દરમિયાન ઘ-૫ સહિતના સ્થળોએ આવેલા આ ટેક્સી સ્ટેન્ડ નજરે આવી ગયા હતાં.
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમો સંદર્ભે પણ આ પ્રકારની વિશેષ સફાઇ ચાલુ કરાઇ છે. તેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા સ્થળોએ આવેલા ટેક્સી સ્ટેન્ડ ખસેડવા પોલીસને જણાવી દેવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા પણ દરેક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ગેરકાયદે ટેકસી સ્ટેન્ડની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જે તે પોલીસ મથકના વડાઓને તથા વિશેષરૂપે ટ્રાફિક શાખાને સૂચના આપવામાં આવી છે.
નગરમાં ટેકસીઓની સંખ્યા ખૂબ વધી ગઇ હોવા છતાં તેના માટે ૧થી વધુ સ્થળો હજુ સુધી નિયત કરવામાં આવ્યા નથી. પરિણામે વાણિજ્ય વિસ્તારોમાં ગેરકાયદે ટેકસી સ્ટેન્ડ ઉભા થઇ ગયા છે. તેમાં સેકટર-૨૧ ડીસ્ટ્રીકટ શોપીંગ સેન્ટર, સેકટર-૨૨ પંચદેવ મંદિર પાસે, સેકટર-૧૧માં જુદા જુદા સ્થળે, સેકટર-૨૮/૨૯ બસ સ્ટેન્ડ પાસે, પ્રેસ ચોકડી પાસે, ઘ-૬ સર્કલ અને ઘ-૩ સર્કલ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. પાટનગરમાં મોટાભાગના સેકટરોમાં તથા જાહેર સ્થળો પર રિક્ષાઓ ત્યાં ઉભી રાખીને તેના સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે.