તાજેતરમાં ભંડારીયા ગામે એક માસુમ બાળા પર દીપડાએ હુમલો કરતાં તેનું મોત થયું હતુ એક મહિનાની મહેનત બાદ દીપડાને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ભંડારીયા ગામની સીમમાંથી માનવ ભક્ષી દીપડાને ઝડપી લેવામાં વન વિભાગને સફળતા સાંપડી છે. એક માસ સુધી સઘન મહેનત કર્યા બાદ દીપડાને ઝડપી લેવામાં વનવિભાગને સફળતા મળી છે.પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ તથા નદી વિસ્તારમાં આવેલા ગામડાઓમાં જંગલી પ્રાણીનો દિનપ્રતિદિન આતંક વધી રહ્યો છે. ખાસ કરીને દીપડા દ્વારા પશુઓ તથા લોકો પર હુમલાના બનાવોમાં ભારે વધારો થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં પાલિતાણા તાલુકાના ભંડારીયા ગામે એક માસુમ બાળા પર દીપડાએ હુમલો કરતાં તેનું મોત થયું હતું. આ બનાવ બાદ હરકતમાં આવેલા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા આ માનવ ભક્ષી દીપડાને ઝબ્બે કરવા કવાયત હાથ ધરાઇ હતી.ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા ભંડારીયા ગામે તળાવ વિસ્તારમાં અલગ અલગ ચાર સ્થળોએ ટ્રેપ ગોઠવી દેવામાં આવ્યા હતાં. જેમાં શુક્રવારે મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડેલો માનવભક્ષી દીપડો એક ટ્રેપના છટકામા આબાદ ઝડપાઇ ગયો હતો. બીટગાર્ડ દ્વારા વન વિભાગના અર્પિતભાઇ બારૈયા, ડી.એન ચાવડા, દિનેશ રાઠોડ, મહેશ મેર, લક્ષ્મણભાઈ જીવણભાઈ વાઘેલા નિશાબેન રાજ સહિતના ઓને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દીપડાનો કબ્જો લઈ વેટરનરી ડોક્ટરને જાણ કરી વડાળ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી.આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, એક ખાસ પરિક્ષણના અંતે જાણવા મળશે કે, આ દીપડો માનવભક્ષી છે કે કેમ? જો માનવભક્ષી સાબિત થશે તો આ દીપડો આજીવન કેદમાં રહેશે. જ્યારે દિપડો ઝડપાઈ જવાની વાત વાયુવેગે ભંડારીયા ગામમાં ફેલાઈ જતાં લોકોને મન હાશકારો થયો હતો.