ટ્રેઈની આપીએસ સાથે વડાપ્રધાને સંવાદ કર્યો :IPS ની સેવાઓ દેશના અલગ અલગ જિલ્લામાં હશે અને એટલે તમારે યાદ રાખવુ પડશે કે, જે પણ નિર્ણય લો તે દેશના હિતમાં હોવો જોઈએ
(સં. સ. સે.)નવી દિલ્હી,તા.૩૧
પીએમ મોદીએ આજે ટ્રેની આઈપીએસ ઓફિસરો સાથે સંવાદ કર્યો હતો અને કહ્યુ હતુ કે, છેલ્લા ૭૫ વર્ષમાં ભારતે એક સારી પોલીસ સર્વિસના નિર્માણ માટે પ્રયાસો કર્યા છે.પોલીસ ટ્રેનિંગ માટેની સુવિધાઓમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સુધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, દર વર્ષે મારો પ્રયાસ હોય છે કે, તમારા જેવા યુવાઓ સાથે વાત કરુ અને તમારા વિચારોને જાણું.તમારા વિચારો, સવાલો અને ઉત્સુકતા ભવિષ્યમાં ઉભા થનારા પડકારોનો સામનો કરવા માટે મદદરુપ થશે.તમારે હંમેશા યાદ રાખવાનુ છે કે તમે એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો ઝંડો ઉંચો રાખવાનો છે.તમારી દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવી જોઈએ.તમારી સેવાઓ દેશના અલગ અલગ જિલ્લામાં હશે અને એટલે તમારે યાદ રાખવુ પડશે કે, જે પણ નિર્ણય લો તે દેશના હિતમાં હોવો જોઈએ. ગાંધીજીએ કરેલી દાંડીયાત્રાનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કહ્યુ હતુ કે, તે સમયે દેશના યુવાઓ આગળ આવ્યા હતા અને એક થઈને દેશની આઝાદીનુ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કામે લાગ્યા હતા.તે સમયે યુવાઓ સ્વરાજ્ય માટે લડ્યા હતા અને તમારે સુરાજ્ય માટે આગળ વધવાનુ છે.તમે એવા સમયે કેરિયર શરુ કરી રહ્યા છો જ્યારે ભારતના દરેક ક્ષેત્રણાં પરિવર્તન આવી રહ્યુ છે.તમારી કેરિયરના ૨૫ વર્ષ ભારતના વિકાસના પણ ૨૫ મહત્વના વર્ષ હશે.તમારી તૈયારી આ બાબતને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ. પીએમ મોદીએ આગળ કહ્યુ હતુ કે, કોરોના સામેની લડાઈમાં પોલીસ કર્મીઓ આગળ રહ્યા છે.કેટલાક શહીદ પણ થયા છે અને હું તેમને શ્રધ્ધાંજલિ આપુ છું અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરુ છું.છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સતત પ્રયાસો કરાયા છે.મહિલાઓ પોલીસ ફોર્સમાં વિન્રમતા, સહજતા અને સંવેદનશીલતાના મુલ્યોને વધારે મજબૂત બનાવે છે.