ઈસ્માઈલ ઉર્ફે લંબૂને કાશ્મીરમાં જૈશે એ મહોમ્મદનું નેટવર્ક મજબૂત કરવા, વિસ્ફોટકો તૈયાર કરવા મોકલાયો
(સં. સ. સે.)નવી દિલ્હી,તા.૩૧
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં વપરાયેલા વિસ્ફટકો તૈયાર કરનાર ખૂંખાર આતંકી ઈસ્માઈલ ઉર્ફે લંબૂને સુરક્ષાદળોએ ઢાળી દીધો છે. લંબૂ ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં કાશ્મીરમાં દાખલ થયો હતો.તેને પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો. ત્રાલ વિસ્તાર આતંકીઓથી પ્રભાવિત વિસ્તારો પૈકીનો એક છે.તેની સાડા છ ફૂટની લંબાઈના કારણે તેનુ નામ લંબૂ પડ્યુ હતુ. લંબૂ ને કાશ્મીરમાં જૈશે એ મહોમ્મદનુ નેટવર્ક મજબૂત કરવા માટે, વિસ્ફોટકો તૈયાર કરવા માટે અને નવા યુવકોની ભરતી કરવા માટે મોકલવામાં આવ્યો હતો.આ સિવાય તે આત્મઘાતી હુમલાખોરો તૈયાર કરવા માટે યુવાઓનુ બ્રેન વોશ કરી રહ્યો હતો. ઈસ્માઈલ ઉર્ફે લંબૂ આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના મુખિયા મૌલાના મસૂદ અઝહરનો નજીકનો સબંધી પણ હતો.સુરક્ષાદળોને તે ત્રાલ વિસ્તારના જંગલોમાં બીજા આતંકીઓ સાથે છુપાયો હોવાનો સંદેશો મળ્યો હતો.સુરક્ષાદળોએ આ વિસ્તારની ઘેરાબંધી કર્યા બાદ આતંકીઓને આત્મસમપર્ણનો મોકો આપ્યો હતો પણ આતંકીઓએ સામે ફાયરિંગ શરુ કરી દીધુ હતુ.જેમાં લંબૂ અને બીજો એક આંતકી માર્યો ગયો હતો. લંબૂએ પુલવામા હુમલા માટે કારમાં વિસ્ફોટકો ફીટ કરવામાં મદદ કરી હતી.