(જી.એન.એસ)મુંબઈ,તા.૩૧
સીબીએસઈનું ધોરણ ૧૨નું શુક્રવારે રિઝલ્ટ જાહેર થયું હતું. ‘પટિયાલા બેબ્સ’ સિરિયલ ફેમ અભિનેત્રી અશનૂર કૌરે ધોરણ ૧૨માં ૯૪% માર્ક્સ મેળવ્યા છે. રિઝલ્ટ આવતાંની સાથે તેણે સોશિયલ મીડિયા પર ખુશી જાહેર કરીને પોતાના ફ્યુચર પ્લાન વિશે જણાવ્યું હતું. એક્ટ્રેસ અશનૂરે સો.મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘૯૪% સ્કોર… ધોરણ ૧૨ બોર્ડ. મને ખુશી છે કે હું નિરાશ ન થઈ. હાર્ડવર્કનું પરિણામ અચૂક મળે જ છે. બસ, હું એટલું જ કહેવા માગીશ, મન હોય તો માળવે જવાય.’ અશનૂરે પોતાના રિઝલ્ટ વિશે જણાવ્યું, ‘હું ખૂબ જ ખુશ છું. મેં ધોરણ ૧૦માં ૯૩% મેળવ્યા હતા અને આથી મને લાગતું હતું કે ધોરણ ૧૨માં હું આનાથી વધારે માર્ક્સ મેળવીશ. અભ્યાસ પર ફોકસ કરવા માટે મેં નવા પ્રોજેક્ટ પણ લીધા નહોતા. હું આ સમય અભ્યાસ માટે આપવા માગતી હતી અને મને મારી મહેનતનું ફળ મળી ગયું. હું આગળ જઈને બેચલર ઓફ માસ મીડિયાનો અભ્યાસ કરવા માગું છું. કદાચ હું આ અભ્યાસ માટે વિદેશ પણ જઉં. હજુ કઈ નક્કી નથી. એક્ટિંગની વાત કરીએ તો, હું ડિરેક્ટિંગ અને ફિલ્મમેકિંગ પણ શીખીશ.’ ૧૭ વર્ષની એક્ટ્રેસે ઘણી બધી સિરિયલમાં કામ કરીને લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. તેણે પોતાની કમાણીથી ડ્રીમ હાઉસ બુક કરાવ્યું છે. હાલ આ ઘરનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. તેણે કહ્યું, આવતા વર્ષે ઘરનું અડધું કામ પૂરું થઈ જશે અને એ બની જશે પછી હું શિફ્ટ થઈશ.
અશનૂર કૌરે ‘ઝાંસી કી રાની’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘પટિયાલા બેબ્સ’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે ‘સંજુ’ અને ‘મનમર્ઝિયાં’ જેવી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.