મારું અતનુ સાથે બોન્ડિંગ-તાલમેલ સૌથી શ્રેષ્ઠ, અમને કેમ અલગ કર્યા
(જી.એન.એસ)ટોક્યો,તા.૩૧
ટોક્યો ઓલિમ્પિકના તીરંદાજી ઇવેન્ટ્સમાં ઈન્ડિયન પ્લેયર્સની સ્પર્ધા સમાપ્ત થઈ ગઈ છે. અતનુ દાસ શનિવારે પુરુષોના સિંગલ્સનાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનનાં તાકાહારૂ ફુરૂકાવાથી ૪-૬થી હારી ગયો હતો. આની પહેલા શુક્રવારે વર્લ્ડ નંબર-૧ દીપિકા કુમારી પણ ક્વાર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાની સાન અન દ્વારા પરાસ્ત થઈ ચૂકી હતી. વળી, ડબલ યુગલમાં દીપિકા અને પ્રવીણ જાધવની જોડી ૨૪ જુલાઈએ હારી ગઈ હતી.જોકે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત પહેલા મિક્સ્ડ ડબલ્સમાં દીપિકા કુમારી અને અતનુ દાસની જોડી ફેવરિટ્સ હતી. પરંતુ આ ઇવેન્ટનાં રેન્કિંગ રાઉન્ડમાં અતનુ દાસનો સ્કોર પ્રવીણ જાધવ કરતા ઓછો હોવાથી એની જોડી દીપિકા સાથે નહોતી થઈ. આ ઓલિમ્પિક ઇવેન્ટમાં જાધવે ૩૧મો ક્રમાંક અને ૩૫મો ક્રમાંક મેળવ્યો હતો.
ભારતીય તીરંદાજી મેનેજમેન્ટ ટીમે રેન્કિંગના આધારે આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. મેનેજમેન્ટે આ બંને જોડી વચ્ચેના તાલમેલની સાથે પેરિસ વર્લ્ડ કપનાં પ્રદર્શનને પણ અવગણી પ્રવીણ જાધવ અને દીપિકાની જોડી બનાવી દીધી હતી. જેના પરિણામે તેમને કોરિયા સામે ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે દીપિકા કુમારીએ ભારતીય તીરંદાજી સંધના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. એણે કહ્યું, જો તમે મારી અને અતનુની જોડી ઓલિમ્પિકમાં ઉતારી હોત તો અમે અવશ્ય મેડલ જીતી શક્યો હોત. અતનુ સાથે મારું બોન્ડિંગ અને તાલમેલ સૌથી શ્રેષ્ઠ છે. બીજી બાજુ અતનુએ પણ મેનેજમેન્ટના નિર્ણયને પડકાર્યો હતો. એણે કહ્યું કે મને આશા હતી કે દીપિકા સાથે રમીને હું દેશ માટે મેડલ જીતીને પરત આવ્યો હોત. પરંતુ અમારી જોડીને કેમ તોડવામાં આવી એ અંગે હજુ હું અસમંજસમાં છું. મને નથી ખબર કે આમ કેમ કરવામાં આવ્યું? ગત વર્ષે જૂન મહિનામાં લગ્ન કરનાર દીપિકા અને અતનુની જોડી ઓલિમ્પિકની એક જ સ્પર્ધામાં ભાગ લેનાર પતિ-પત્નીની પહેલી ભારતીય જોડી રહી હતી. મિક્સ્ડ ડબલ્સમાં દીપિકા પોતાના પતિને ચિયર કરવા પણ પહોંચી હતી. અતનુની મેચ જિન હયેક અને તાકાહારુ ફુરૂકાવા સામે હતી ત્યારે દીપિકાએ પુરજોશમાં પતિને ચિયર કર્યું હતું.