મેઘરાજાએ મહેર કરતા ૯૬.૧૩ ટકા વાવેતર : કપાસ, મગફળી, બાજરી, કઠોળ, શાકભાજી, ઘાસચારો સહિતનુ ખેડૂતોએ વાવેતર કર્યુ : વરસાદ ખેંચાશે તો ખેડૂતોની મૂશ્કેલી વધશે
મેઘરાજાએ મહેર કરતા ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો અને જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં વાવેતર થઈ ગયુ છે તેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯૬.૧૩ ટકા વાવણી થઈ ગઈ છે તેમ ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડામાં જણાવેલ છે. ઝરમર વરસાદ થઈ રહ્યો છે તેથી ખેડૂતોને થોડી રાહત છે પરંતુ હજુ ધોધમાર વરસાદની ખેડૂત સહિતના લોકો રાહ જોઈ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે એક માસ પૂર્વે પ્રથમ વાવણી લાયક વરસાદ થયો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા દર અઠવાડીયે વાવણીના આંકડા લેવામાં આવતા હોય છે, જેમાં પ્રથમ રાઉન્ડમાં ઓછી વાવણી હતી પરંતુ ત્યારબાદ વરસાદ થતા વાવણીમાં વધારો થતો ગયો હતો. હાલ જિલ્લામાં ૯૬.૧૩ ટકા વાવણી થઈ ગઈ હોવાનુ સત્તાવાર આંકડામાં જાણવા મળેલ છે. જિલ્લામાં હાલ કુલ ૪,૧૬,૦૩૦ હેકટરમાં ખરીફ પાકનુ વાવેતર થઈ ગયુ છે, જેમાં કપાસ, મગફળી, બાજરી, કઠોળ, શાકભાજી, ઘાસચારો સહિતનો સમાવેશ થાય છે. કેટલાક ગામમાં કુવા અને ચેકડેમમાં પણ પાણીની સારી આવક થઈ છે તેથી ખેડૂતોને થોડી રાહત છે. છેલ્લા ૩ વર્ષની વાવેતરની સરેરાશ ૪,૩ર,૭૬૯ હોવાનુ જાણવા મળેલ છે. ચોમાસુ ધીરે ધીરે જામી રહ્યુ છે, શરૂઆતમાં થોડો સારો વરસાદ થયો હતો પરંતુ ત્યારબાદ ઝરમર વરસાદ પડી રહ્યો છે તેથી હાલ પાક માટે સારા વરસાદની જરૂર છે તેથી ખેડૂતો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદ સમયસર થશે તો પાકને પાણી મળી રહેશે અને ખેડૂતોને ફાયદો થશે પરંતુ જો વરસાદ ખેંચાશે પાક સુકાશે અને ખેડૂતની પરેશાની વધવાની શકયતા છે તેમ જાણકારોએ જણાવેલ છે. હાલ ખેડૂતો આતૂરતા પૂર્વક ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષે સમયસર સારો વરસાદ થતો રહેશે તો પાક સારો થશે અને ઉત્પાદન વધશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સારો અને સમયસર વરસાદ થયો હતો તેથી ખેડૂતોને પાકનુ ઉત્પાદન સારૂ થયુ હતું.