એટીએમ ટ્રાન્ઝેક્શન હવે મોંઘા પડશે : પહેલી ઓગસ્ટથી બદલાઈ રહેલા નવા નિયમોથી તમારા ખિસ્સા પર મોટી અસર થશે, કેટલીક બાબતે રાહત મળશે, કેટલીક વાતમાં વધુ ખર્ચવા પડશે
(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૧
આજથી નવો મહિનો શરુ થઈ રહ્યો છે. આ નવા મહિનાની સાથે જ કેટલાક નવા ફેરફાર પણ થઈ રહ્યા છે. આજે પહેલી ઓગસ્ટથી દેશભરમાં અનેક અગત્યના ફેરફાર થઈ રહ્યા છે કે નવા નિયમ લાગુ થઈ રહ્યા છે જેની સામાન્ય જનતાથી લઈને ખાસ લોકો, સૌની ઉપર અસર પડશે. તેમાંથી કેટલાક નિયમોથી તમને ફાયદો થશે અને કેટલાક તમારા ખિસ્સા પર ભારણ વધારશે. ભારતીય રિઝર્વ બેંકના આદેશ બાદ પહેલી ઓગસ્ટથી બેંક એટીએમ પર ઈન્ટરચેન્જ ચાર્જમાં ૨ રુપિયાનો વધારો કરી શકશે. જૂનમાં રિઝર્વ બેંકે ઈન્ટરચેન્જ ચાર્જ દરેક નાણાકીય લેવડદેવડ માટે ૧૫ રુપિયાથી વધારીને ૧૭ રુપિયા અને બિનનાણાકીય લેવડદેવડ માટે ૫ રુપિયાથી વધારીને ૬ રુપિયા કરવાની મંજૂરી આપી હતી. ઈન્ટરચેન્જ ફી બેંકો તરફથી કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ તરફથી પેમેન્ટ પ્રોસેસ કરનારા મર્ચન્ટથી લેવાતી રકમ છે. નવા નિયમો મુજબ ગ્રાહક પોતાની બેંકના એટીએમથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે. ગ્રાહક બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરે તો તેને મેટ્રો સિટીમાં ૩ અને નોન મેટ્રો સિટીમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન મળી શકશે.RBI એ National Automated Clearing Houseના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ હવે તમારે તમારી સેલરી માટે કે પેન્શન માટે શનિવાર અને રવિવાર એટલે કે વીકેન્ડ પસાર થાય તેની રાહ જોવી પડશે નહીં. આ સેવાઓ તમને સમગ્ર અઠવાડિયા દરમિયાન મળશે. આ નવા નિયમ ૧ ઓગસ્ટ ૨૦૨૧થી લાગૂ થઈ જશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે ગત મહિને જૂનની ક્રેડિટ પોલીસી રિવ્યૂ દરમિયાન જાહેરાત કરી હતી કે ગ્રાહકોની સુવિધાઓ વધારવા માટે અને ૨૪ટ૭ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનો લાભ ઉઠાવવા માટે,NACH જે હાલ બેંકોમાં વર્કિંગ ડેઝમાં ઉપલબ્ધ છે, તે અઠવાડિયાના બધા દિવસ લાગૂ કરવાનો પ્રસ્તાવ અપાયો છે, જે ૧ ઓગસ્ટ ૨૦૨૧થી પ્રભાવી થશે. ૧ ઓગસ્ટથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક તેમના ગ્રાહકો પાસેથી ડોર સ્ટેપ બેન્કિંગ માટે ચાર્જ વસૂલશે. હાલમાં આઈપીપીબી તરફથી ડોરસ્ટેપ બેન્કિંગ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી, પરંતુ ૧ ઓગસ્ટથી બેંક તમામ ગ્રાહક પાસેથી ડોરસ્ટેપ બેન્કિંગ મામલે કેટલીક સર્વિસ પર રૂ. ૨૦ ચાર્જ અને જીએસટી વસૂલશે. પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ જેમ કે, સમૃદ્ધિ યોજના, પીપીએફ, આરડી, એલઆરડી માટે રૂ. ૨૦ ચાર્જ અને જીએસટી ચૂકવવાનો રહેશે. મોબાઈલ પોસ્ટપેઈડ અને બિલ પેમેન્ટ માટે રૂ. ૨૦ ચાર્જ અને જીએસટી ભરવાનો રહેશે. ૧ ઓગસ્ટથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. દર મહિનાની પહેલી તારીખી ઘરેલુ રસોઈ ગેસ અને કમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ નક્કી થાય છે. ૧ જુલાઈના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૫.૫૦ રૂપિયાનો વધારો થયો હતો. આ વધારા બાદ દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામ વાળા સિલિન્ડરનો ભાવ ૮૦૯ રૂપિયાની જગ્યાએ ૮૩૪.૫૦ રૂપિયા થયો. તે પહેલા ૧ મેના રોજ ગેસ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહતો. તે અગાઉ ૧ એપ્રિલના રોજ સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયા ઘટાડો થયો હતો. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓગસ્ટમાં પોતાની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરશે. મોનિટરી પોલીસી કમિટી વ્યાજ દરોમાં ફેરફાર પર નિર્ણય લેશે. એમપીસીની આ બેઠક ૪-૬ ઓગસ્ટ વચ્ચે થશે. ૬ ઓગસ્ટે પોલીસીની જાહેરાત થશે. એમપીસીની બેઠક વર્ષમાં ૬ વાર થાય છે. ગત વર્ષે જૂનમાં થઈ હતી. જેમાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરાયો નહતો.