કેરળમાં સતત પાંચમા દિવસે ૨૦ હજારથી વધુ કેસ નોંધાયા : દરરોજ નવા કેસની સંખ્યા વધવાની શરુઆત સાથે એક્ટિવ ૪.૧૦ લાખ પર પહોંચ્યા
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે શનિવારે દેશમાં કોરોનાના ૪૧,૭૮૬ નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણને કારણે ૫૪૨ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૩૯,૩૦૪ લોકો સાજા થયા છે. હવે એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪,૦૪,૮૦૪ થઈ ગઈ છે. આ સાથે, દેશમાં કોરોનાના કુલ ૩.૧૬ કરોડ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૩.૦૮ કરોડ લોકો સાજા થયા છે, જ્યારે ૪.૨૪લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.હાલમાં, કેરળ કોરોનાથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં પાંચ દિવસ સુધી સતત ૨૦ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શનિવારે અહીં ૨૦,૬૨૪ કેસ નોંધાયા હતા. અહીં ૮૦ લોકોનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું, જ્યારે ૧૬,૮૬૫ લોકોએ કોરોનાને હરાવ્યો. કેરળમાં સક્રિય કેસોની સંખ્યા હવે ૧,૬૪,૫૦૦ થઈ ગઈ છે. શનિવારે દેશમાં કુલ ૧૭,૮૯,૪૭૨ લોકોના કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. અત્યાર સુધીમાં કુલ ૪૬,૮૨,૧૬,૫૧૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંક હાથ ધરાયું હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૩૪ ટકા નોંધાયો છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૪૨ ટકા રહ્યો છે. કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા ૩,૦૮,૨૦,૫૨૧ થઈ છે. વિતેલા એક દિવસમાં મહારાષ્ટ્રમાં ૨૨૫, કેરળમાં ૮૦ અને ઓડિશામાં ૬૮ દર્દીનાં કોરોનાથી મોત થયા છે. દેશના દસ રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપી વધારાને ધ્યાનમાં લેતા સરકારે શનિવારે આ રાજયોની સ્થિતિ બાબતેની સમિક્ષા કરી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઓરિસ્સા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્રપ્રદેશ અને મણિપુરની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. દેશના ૮ રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં લોકડાઉનની જેમ જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. શનિવારે કેરળમાં ૨૦,૬૨૪ લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. ૧૬,૬૮૫ લોકો સાજા થયા અને ૮૦ લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં ૩૩.૯૦ લાખ લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. આમાંથી ૩૨.૦૮ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૧૬,૭૮૨ લોકોના મોત થયા છે. હાલમાં ૧.૬૪ લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. શનિવારે મહારાષ્ટ્રમાં ૬,૯૫૯ લોકોને સંક્રમણ લાગ્યું હતું. ૭,૪૩૧ લોકો સાજા થયા અને ૨૨૫ લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં ૬૩.૦૩ લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી ૬૦.૯૦ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૧.૩૨ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં ૭૬,૭૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે.