સમગ્ર ભારત દેશમાં સદીઓથી ચાલી આવતી રાવણ દહનની પરંપરા બંધ કરવાની માંગણી સાથે આજે પરશુરામ યુવા સેના ભાવનગર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જો રાવણ દહન ચાલુ રહેશે તો સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપી હતી.
દેવાધિદેવ મહાદેવના પરમ ઉપાસક શાસ્ત્રોમાં પ્રખરતા પ્રાપ્ત કરી મહાપંડિત તરીકે ખ્યાતિ મેળવેલા રાક્ષસરાજ રાવણના પુતળાનું દશેરાના દિવસે સમગ્ર દેશભરની સાથોસાથ ભાવનગરમાં પણ દહન કરવામાં આવે છે અને તેને આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય માનવામાં આવે છે. સદીઓથી ચાલ આવતી રાવણ દહનની પરંપરાને બંધ કરવા ભાવનગર પરશુરામ યુવા સેનાના કેટલાક યુવકોએ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો આ રાવણ દહનની પરંપરા બંધ નહીં થાય તો સમસ્ત બ્રહ્મસમાજે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.
રાવણદહનની પરંપરા બંધ કરાવવાની માંગણી સાથે આવેદન આપવા ગયેલા અલ્પેશ જાની, મહેન્દ્ર મહેતા, શશી તેરૈયા સહિતના પરશુરામ યુવા સેનાના હોદ્દેદારો સાથે પુરા એક ડઝન યુવા પણ જોડાયા ન હતા તો સમસ્ત બ્રહ્મસમાજ રાવણ દહનના વિરોધના આંદોલનમાં જોડાશે ખરા તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે.