(જી.એન.એસ)ટોક્યો,તા.૧
ટોક્યો ઓલિમ્પિકનો આજે ૧૦મો દિવસ છે. બોક્સિંગમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સતીશ કુમાર ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં હારીને મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. સતીશ કુમાર (૯૧ કિલોગ્રામ ભાર વર્ગ) ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હારી ગયા છે. ઉઝબેકિસ્તાનના ભખોદિર જાલોલોવના હાથે ૦-૫થી હાર થઈ હતી. સતીશ કુમાર પ્રથમ રાઉન્ડ હાર્યો હતો. પાંચ જજોએ ઉઝબેકિસ્તાનના બખોદિરને ૧૦ અને સતીશને ૯ પોઈન્ટ આપ્યા હતા. આ રાઉન્ડમાં તે આક્રમક રમ્યો હતો. ઉઝબેકિસ્તાનનો બોક્સર વર્લ્ડ ચેમ્પિયન છે. બીજા રાઉન્ડમાં પણ તે ૫-૦થી હાર્યો હતો. જજોએ આ વખતે પણ ઉઝબેકિસ્તાનના બોક્સરને ૧૦ પોઇન્ટ આપ્યા હતા. મુકાબલા પહેલા સતીશ કુમારને સાત ટાંકા આવ્યા હતા. જમૈકાના રિકાર્ડો બ્રાઉન સામે પ્રી-ક્વાર્ટર મેચમાં જમણી આંખ પર ઈજા થઈ હતી. જેને લઈ શનિવાર સાંજ સુધી તેના રમવા પર સસ્પેન્સ હતું. પરંતુ બાદમાં મેડિકલ ક્લીયરન્સ મળી જતાં આજના મુકાબલામાં રિંગમાં ઉતર્યો હતો.