(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧
પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની બેન્ચ ૫ ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. તાજેતરમાં જ વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશી કુમાર વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી કરવાની જરૂર છે. તે નાગરિક સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલી બાબત છે. આની સુનવણી જલ્દી થવી જોઈએ. સિબ્બલે ચીફ જસ્ટિસને જણાવ્યું હતું કે, સરકારે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓ, પત્રકારો અને ન્યાયાધીશોના ફોન ટેપ કર્યા હતા. તેની અસર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પડી હતી. આના પર ચીફ જસ્ટિસ રમણે જણાવ્યું હતું કે, આગલા અઠવાડિયે સુનાવણી થશે. પત્રકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પૂછવામાં આવ્યું છે કે, શું ભારત સરકાર અથવા તેની કોઇ એજન્સીએ ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસનો ઉપયોગ કરવા માટે લાઇસન્સ અથવા પરવાનગી મેળવી હતી. પેગાસસ કેસને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. સંસદથી રસ્તા સુધી વિપક્ષી દળોના નેતાઓ અને સરકાર સામે મોરચો ખોલી રહ્યું છે. સંસદમાં વિપક્ષી દળોના સાંસદો આ મુદ્દે સતત હંગામો મચાવી રહ્યા છે. આ સાથે જ તેઓ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પાસેથી જવાબની માંગ કરી રહ્યા છે.