કાયદો લાગુ થયા બાદ ટ્રિપલ તલાક કેસોમાં ૮૦ ટકાનો ઘટાડો નોંધાયોઃ નકવી

305

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી, તા.૨
કેન્દ્રીય લઘુમતી મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઑફ રાઇટ્‌સ ઑન મેરેજ) એક્ટ લાગુ થયા બાદ ત્રણ તલાકના કેસોમાં ૮૦ ટકાનો ઘટાડો આવ્યો છે. કાયદાના ૨ વર્ષ પૂર્ણ થવા પર રવિવારના દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી. ૧ ઑગષ્ટ, ૨૦૧૯ના કાયદો લાગુ થવાથી પહેલા ઉત્તર પ્રદેશમાં ૬૩ હજારથી વધારે કેસ નોંધાયા હતા, જે કાયદો લાગુ થયા બાદ ૨૨૧ રહી ગયા છે. તો એક્ટ લાગુ થયા બાદ બિહારમાં ૪૯ કેસ જ નોંધાયા છે. નકવીએ કહ્યું કે, હવે ત્રણ તલાક ક્રિમિનલ એક્ટ બન્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ઉકેલ્યો, જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યું અને મહરમ કાયદો ખત્મ કર્યો. ૩૫૦૦થી વધારે મુસ્લિમ મહિલાઓએ વગર મહરમ હજની યાત્રા કરી. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મુસ્લિમ મહિલાઓની ભાવના અને સંઘર્ષને સલામ કરવા માટે છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ સામેલ થયા. ઉલ્લેખનીય છે કે ઑગષ્ટ ૨૦૧૭માં સુપ્રીમ કૉર્ટે એકવારમાં ત્રણ તલાકની ૧૪૦૦ વર્ષ જૂની પ્રથાને અસંવૈધાનિક ગણાવી હતી અને સરકારને કાયદો બનાવવા કહ્યું હતું. ટ્રિપલ તલાક બિલ ૩૦ જુલાઈ, ૨૦૧૯ના રાજ્યસભામાં પાસ થયું હતું. રાજ્યસભામાં વોટિંગ દરમિયાન બિલના પક્ષમાં ૯૯ અને વિરોધમાં ૮૪ વોટ પડ્યા હતા. બિલ ૨૫ જુલાઈ, ૨૦૧૯ના લોકસભાથી પાસ થઈ ચૂક્યું હતું. આના આગામી દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ તલાક બિલને મંજૂરી આપી દીધી હતી. ત્રણ તલાક કાયદા હેઠળ દોષી પુરુષને ૩ વર્ષની સજા સંભળાવવામાં આવી શકે છે. પીડિત મહિલાઓ પોતાના અને બાળકો માટે ભરણ-પોષણની માંગ પણ કરી શકે છે.

Previous articleયુવકે મુસ્લિમ યુવતીઓ વિશે આપત્તિજનક પોસ્ટ કરતા સ્વાતિ માલિવાલ મેદાનમાં
Next articleલાલુ અને મુલાયમ વચ્ચે ચાય પર ચર્ચા અંતર્ગત મુલાકાત થઇ