(જી.એન.એસ.)ન્યુ દિલ્હી, તા.૨
સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. ખાસ કરીને પેગાસસ જાસૂસી વિવાદ અને ખેડૂતના મુદ્દે વિપક્ષ સરકારને પૂરી તાકાત સાથે ઘેરી રહ્યુ છે. સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. જેના કારણે કાર્યવાહી યોગ્ય રીતે ચાલી રહી નથી. વિપક્ષ સંસદની બહાર સમાંતર સંસદ સત્ર ચલાવવાના મૂડમાં છે. વિપક્ષ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ પ્રકારના પ્રસ્તાવની જાણકારી મળી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રસ્તાવ પર ચર્ચા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે મીટિંગમાં કરવામાં આવશે. કાલે સવારે ૧૦ વાગે રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના નેતાઓની મીટિંગ થવાની છે. આ મીટિંગમાં જ રાહુલ ગાંધીની હાજરીમાં સમાંતર સંસદ સત્ર ચલાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાજર સંસદ સત્ર ૧૯ જુલાઈથી ચાલી રહ્યુ છે. આ સત્રમાં સતત હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષ કૃષિ સાથે જોડાયેલા ત્રણ કાયદા પાછા લેવાની માગ કરી રહ્યો છે અને પેગાસસ જાસૂસી કાંડ પર સરકાર સાથે ચર્ચા કરવાની માગ પણ ઉઠાવી રહ્યા છે. બંને જ મુદ્દા પર દરરોજ સદનમાં હોબાળો થઈ રહ્યો છે અને સતત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી રહી છે. વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે સરકાર પોતાની મનમાની અનુસાર બિલ પાસ કરવા ઈચ્છે છે અને મોંઘવારી, પેગાસસ અથવા કૃષિ કાયદા જેવા મુદ્દાથી ભાગી રહ્યા છે.