કંપનીનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પોતાની હિસ્સેદારી જતી કરવા તૈયાર

238

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨
આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલા ભારે દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ)માં પોતાનો પ્રમોટર હિસ્સો છોડવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે આ કંપનીનું અસ્તિત્વ જાળવી રાખવા માટે તે પોતાની હિસ્સેદારી કોઈપણ સરકારી કે સ્થાનિક ફાઇનાન્સિયલ કંપનીને આપવા માટે તૈયાર છે. બિરલાએ કેબિનેટ સચિવ રાજીવ ગાબાને લખેલા પત્રમાં આ વાત જણાવી હતી. કુમાર મંગલમ બિરલા વોડાફોન ઇન્ડિયાના પ્રમોટર અને ચેરમેન છે. કંપનીમાં તેમનો હિસ્સો ૨૭ ટકા અને બ્રિટનની વોડાફોનનો હિસ્સો ૪૪ ટકા છે. કંપનીનું વર્તમાન બજારમૂલ્ય ૨૪,૦૦૦ કરોડ રુપિયા છે. બંને પ્રમોટરોએ કંપનીમાં નવું રોકાણ ન કરવાનો નિર્ણય લીધો છે. વોડાફોન પીએલસી પહેલેથી જ તેના રોકાણને માંડવાળ કરી ચૂકી છે. વોડાફોન આઇડિયા પર લગભગ ૧.૮ લાખ કરોડ રુપિયાનું દેવું છે. કંપનીના બોર્ડે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૨૫,૦૦૦ કરોડ રુપિયાની મૂડી એકત્રિત કરવાની જાહેરાત કરી હતી, પરંતુ સરકારી મદદની ખાતરી વગર રોકાણકાર કંપનીને કોઈ ભાવ આપવા તૈયાર નથી. બિરલાએ ગાબાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સરકારે આ મામલે તરત જ પગલાં લેવાની જરુર છે. તેની સાથે તેમણે તેમ પણ જણાવ્યું હતું કે તે કંપની પરથી પોતાનો અંકુશ જતો કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમનો હિસ્સો કોઈપણ સરકારી અને સ્થાનિક કંપનીને આપવા માટે તૈયાર છે. વિદેશી રોકાણકારોમાં ભરોસો જગાડવા માટે સરકારે આ પગલું ઉઠાવવું જોઈએ. સરકારે જો તાત્કાલિક પગલાં ન લીધા તો વોડાફોન ઇન્ડિયાનું અસ્તિત્વ ભયમાં મૂકાશે.

Previous articleરેપ પીડિતાએ ગુનેગાર સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, સુપ્રીમ કોર્ટે ના પાડી
Next article૬ લગ્ન કરનારા પૂર્વ મંત્રી ચૌધરી બશીર વિરુદ્ધ ત્રણ તલાકનો કેસ દાખલ કરાયો