વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ ડૉ. પ્રવીણ તોગડિયાએ આજથી પાલડી સ્થિત વિશ્વ હિન્દુ પરિષદના વણીકર ભવન ખાતેના કાર્યાલય પાસે આમરણાંત ઉપવાસના સત્યાગ્રહની વિધિવત્ શરૂઆત કરી હતી. પોતાના આ સત્યાગ્રહ અને ઉપવાસ આંદોલનના પ્રારંભ સાથે જ ડો.પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જાહેરમાં ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. આજથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રવીણ તોગડિયાએ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર સીધા નિશાન તાકી તોગડિયાએ તેમના પર અનેક આરોપ મૂક્યા હતા. ડો.પ્રવીણ તોગડિયાએ મોદી પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, સત્તામાં આવ્યા બાદ પ્રજાને આપેલા વચનોમાંથી ફરી જઇ અયોધ્યામાં બલિદાન આપનારા લાખો કારસેવકો અને કરોડો હિન્દુ જનતા સાથે નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે. જો સત્તામાં આવ્યા બાદ રામમંદિરની વાત છોડી દેવી તો ગોધરા રેલ્વે સ્ટેશન પર નિર્દોષ કારસેવકોને મરાવ્યા શું કામ? એનો અર્થ એમ થાય કે, તમે સત્તા મેળવવા માટે કારસેવકોને મરાવ્યા હતા. તોગડિયાના મોદી પરના આજના આક્ષેપોને લઇ સમગ્ર દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ડો.પ્રવીણ તોગડિયાના આજના અનશન સત્યાગ્રહ દરમ્યાન તેમની સાથે જાહેરમંચ પર વિશ્વ હિન્દુ પરિષદના અન્ય અગ્રણીઓ, હિન્દુ સંગઠનોના વિવિધ પ્રતિનિધિઓ ઉપરાંત સંખ્યાબંધ સાધુ-સંતો અને મહંતો પણ જોડાયા હતા. જેને પગલે ભાજપની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. ડો.તોગડિયાએ વડાપ્રધાન મોદી પર આજે જોરદાર પ્રહારો કર્યા હતા કે, તમે સત્તામાં ન હતા ત્યારે અગાઉ જે પક્ષ સત્તામાં હતો તેની સામે મનરેગા, આધારકાર્ડ, જીએસટી સહિતના મુદ્દાઓ પર વિરોધ કરતાં હતા અને હવે તમે સત્તામાં આવ્યા બાદ આ તમામ મુદ્દે યુ ટર્ન લઇ તેને સારા કાર્યો ગણાવો છો. ગુજરાત સહિત દેશભરમાં બહેન-બેટીઓ સુરક્ષિત નથી. તમારી છેલ્લા કેટલાક મહિનાઓથી દબાણ હતું એ મુદ્દે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે, મને ખેડૂતો અને યુવાનોના મુદ્દા છોડવાનું કહે છે કે, તમારે ખેડૂતો અને યુવાનો સાથે શું લેવાદેવા પરંતુ વડાપ્રધાન મોદીને ખેડૂતો સાથે લેવાદેવા છે કે નહી તે મને ખબર નથી પરંતુ હું તો ખેડૂતનો દિકરો છું. મારા ઘેર ગાય-ભેંસ છે. મને રામમંદિરનો મુદ્દો છોડી દેવાનું કહે છે તો, રામમંદિરના નામે કરોડો હિન્દુઓને વચન કેમ આપ્યા હતા અને નિર્દોષ કારસેવકોને અયોધ્યામાં રામમંદિર આંદોલનમાં કેમ હોમી દીધા? એનો અર્થ એ થયો કે, સત્તા મેળવવી હતી એટલે તમે ગોધરાકાંડમાં નિર્દોષ કારસેવકોને મરાવી નાંખ્યા. નરેન્દ્રભાઇએ અયોધ્યાના લાખો કારસેવકો અને કરોડો હિન્દુ જનતા સાથે ગંભીર વિશ્વાસઘાત કર્યો છે. ડો.તોગડિયાએ ઉમેર્યું કે, હું છેલ્લા ૩૨ વર્ષોથી વીએચપી સાથે જોડાયેલો રહ્યો, અને તેનું કામ કરવા ગામેગામ ફરતો રહ્યો. આજે મને ધક્કા મારીને વીએચપીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. મેં જે માંગો મૂકી છે તે મારી નથી. આ માગ હિંદુઓની છે, સંઘ તેમજ ભાજપની અને વીએચપીની જ છે. આ જ માગો સંઘ અને ભાજપે જ વર્ષોથી મૂકી હતી. પૂર્ણ બહુમતની સરકાર બનશે ત્યારે આ તમામ માંગો ચપટીમાં પૂરી થઈ જશે તેવા વચન આપવામાં આવ્યા હતા. હું તો આ ચપટીનો અવાજ સાંભળવા ચાર વર્ષથી કાનમાં મશીન નાખીને બેઠો હતો. ક્યારે મારા મોટાભાઈ નરેન્દ્ર મોદી ચપટી વગાડશે અને આ માગો પૂરી કરશે. તોગડિયાએ રામ મંદિર, ગૌરક્ષા, કોમન સિવિલ કોડ, બાંગ્લાદેશી મુસ્લિમોના દેશ નિકાલ સહિતની માગ કરી સૂત્રોચ્ચાર કરાવતાં વાતાવરણ ગરમાયું હતું.