મૃતકના માતાપિતાને બે લાખ રૂપિયા વળતર પેટે ચુકવી આપવા આદેશ
બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના તિલકનગર-સુભાષનગર પુલ નજીક અષાઢી બીજ રથયાત્રાના દિવસે જ બપોરના સુમારે એક સગીર સહિત ત્રણ રાખ્સોએ યુવાન ઉપર હુમલો કરતા યુવાનનું મોત નિપજ્યુ હતુ. આ અંગેનો કેસ આજરોજ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય બે આરોપી સામે ઇપીકો કલમ ૩૦૪ પાર્ટ-૧, મનુષ્યવધના ગુના સબબ બંન્ને આરોપીને તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખ્ત કેદની સજા અને બંન્ને આરોપીના રૂપિયા એક-એક લાખ લેખે રોકડ રૂા. ૨ લાખ વળતર પેટે ગુજરનાર ના માતા પિતાને ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.આ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ શહેરનાં ભરતનગર-કૈલાશનગરમાં રહેતા ફરિયાદી રાજુભાઇ ઉર્ફે ભોલો હર્ષદભાઇ પરમાર તથા અમીતભાઇ ભરતભાઇ ચૌહાણ અને બાલાભાઇ પ્રફુલભાઈ રાઠોડ મળી ત્રણેય મિત્રો રિક્ષા લઇને તિલકનગર પુલ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે આ કેસના આરોપીઓ કિશન જીતુભાઇ ચૌહાણ ઉ.વ.૧૯, દર્શન ઉર્ફે લચ્છુ રમેશભાઈ નટુભાઈ પરમાર ઉ.વ.૨૦, તથા અન્ય એક બાળ આરોપી એમ ત્રણેય શખ્સો પોતાનું મોટર સાયકલ પુલ પર રસ્તામાં આડુ મુકી અંદરો અંદર ઝઘડો કરતા હોય આથી ફરીયાદી તેને સમજાવવા જતા ઉક્ત શખ્સો ઝઘડો કરવા લાગ્યા હતા, આથી ફરીયાદીના અન્ય મિત્રો અમીત અને બાલાભાઇ પણ નીચે ઉતરી સમજાવટ કરવા ગયા હતા તેવામાં આરોપીઓએ ઝઘડો કરી અને લાકડાના ખોડા વડે હુમલો કરતો ફરિયાદી કિશનભાઇ તથા તેના મિત્ર અમીતભાઈ ચૌહાણને માથા તથા કાનના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. આથી ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયેલ જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અમીત ભરતભાઇ ચૌહાણ ઉ.વ.૨૩, રહે. શેરી નં.૩, સુભાષનગર, ભાવનગર નું મૃત્યુ નિપજ્યું હતુ.આ અંગેનો કેસ અત્રેની પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો મૌખીક પુરાવા-૧૪, દસ્તાવેજી પુરાવા-૩૯ વિગેરે ધ્યાને રાખી આરોપી કિશન જીતુભાઇ ચૌહાણ અને દર્શન ઉર્ફે લચ્છુ રમેશભાઈ પરમાર બન્ને આરોપીઓ સામે ઇપીકો કલમ -૩૦૪ પાર્ટ-૧, મુજબનો ગુનો સાબીત માની બંન્ને આરોપીને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા.૩ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા, ઇપીકો કલમ ૩૨૩ મુજબના ગુના સબબ બંન્ને આરોપીઓને ૬ માસની સજા અને રોકડા રૂા.૫૦ નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ પાંચ દિવસની સજા, ઉપરાંત બંન્ને આરોપીઓએ મરણજનારના માતા પિતા ને વળતર પેટે રૂા. એક-એક લાખ લેખે રૂા.૨ લાખ ચુકવી આપવા પણ અદાલતે હુકમ કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપી જુવેનાઈલ હોય તેનુ ચાર્જસીટ અલગથી જુવેનાઈલ કોર્ટમાં મોકલી આપવા અદાલતે હુકમ કર્યો હતો.