બોટાદ, તા.૩
મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે આજ રોજ “સંવેદના દિનના ભાગરૂપે ગઢડામાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સામાન્યન માનવીને એક જ સ્થાળેથી સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે હેતુસર યોજાયેલા કાર્યક્રમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, આપણી સંવદનશીલ સરકારે દરેક ક્ષેત્રની ચિંતા કરી છે. અને તે સાર્વત્રિક અને સર્વસ્પર્શીને વરેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલ કોરોના મહામારીને લીધે ઘણાં લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. તેમાંથી ઘણા સ્વસ્થ થઈ ઘેર પાછા ફર્યા તો કેટલાક અવસાન પામ્યા. ત્યારે રાજ્ય સરકારે આવા લોકોની ચિંતા કરી જે બાળકોના વાલીઓએ જીવ ગુમાવ્યો છે તેવા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મુકી છે.” ઉલ્લેખનીય છે કે આ યોજનામાં એક વાલી અવસાન પામેલ હોય તેને માસિક રૂપિયા ૨૦૦૦ ની અને બંન્ને વાલી અવસાન પામેલ હોય તેઓને રૂપિયા. ૪૦૦૦/ ની સહાય આપવામાં આવશે આ યોજનામાં સુધારો કરી ૧૮ વર્ષની ઉમંર ના બદલામાં ૨૧ વર્ષની ઉમંર થાય ત્યાં સુધી આ લાભ મળવા પાત્ર થશે. રાજ્યમાં એક વાલી અવસાન પામેલ છે તેવા બાળકો ૩૯૬૩ અને બન્ને વાલી અવસાન પામેલ હોય તેવા બાળકોની સંખ્યા ૯૭૮ છે આ તમામ બાળકોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવશે. વિભાવરીબહેને મુખ્યમંત્રી ના જન્મ દિન નિમિત્તે સંવેદનશીલ સરકાર ચલાવવા બળ આપે તથા લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે તે માટે ભગવાન ગોપીનાથજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી તથા બોટાદ જિલ્લા વતી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સંવેદનશીલ સરકારે વિધવા સહાય, વૃદ્ધ પેંશન સહાય, વ્હાલી દિકરી યોજના જેવી અનેક યોજનાઓ અમલમા મુકી છે. આ દરેક યોજનાનો લાભ લેવા ઉપસ્થિત તમામ નાગરિકોને વધુમાં અનુરોધ કર્યો હતો.