ન્યુ દિલ્હી,તા.૩
છેલ્લા ૬ દિવસથી સતત ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા બાદ સોમવારના કોરોના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૦૨૯ નવા કેસ સામે આવ્યા છે. આમાંથી ૩૯,૦૨૦ લોકોએ આ બીમારીને હરાવી છે, જ્યારે ૪૨૦ લોકોના મોત થયા છે. કેરળમાં ગઈકાલે ૧૩,૯૮૪ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૬ દિવસ બાદ કેરળમાં ૨૦ હજારથી ઓછા કેસ નોંધાયા છે. આની અસર દેશના કોરોનાના આંકડા પર જોવા મળી છે. કેરળમાં સોમવારના ૧૩,૯૮૪ લોકો સંક્રમિત થયા. ૧૫,૯૨૩ લોકો ઠીક થયા અને ૧૧૮ લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધી ૩૪.૨૫ લાખ લોકો કોરોનાની ઝપટવામાં આવી ચૂક્યા છે. આમાં ૩૨.૪૨ લાખ લોકો ઠીક થઈ ચૂક્યા છે, જ્યારે ૧૬,૯૫૬ લોકોના મોત થયા છે. અત્યારે ૧.૬૫ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અહીં સોમવારના કોરોનાથી રિકવર થનારા લોકોની સંખ્યા નવા કેસોથી વધારે રહી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે અત્યારે પણ દેશના ૮ રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. આમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોન્ડિચેરી સામેલ છે. અહીં ગત લોકડાઉન જેવા જ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. દેશના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધોની સાથે છૂટ પણ છે. આમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ અને ગુજરાત સામેલ છે. તો વેક્સિન લગાવનાર લોકોની વાત કરીએ તો અધિકારીઓએ અત્યાર સુધી ૪૭ કરોડ (૪૭૨,૨૨૩,૬૩૯) લોકોને રસીના ડોઝ આપ્યા છે, જેમાંથી ૩૬ કરોડ (૩૬૭,૯૯૪,૫૮૬) ને પ્રથમ ડોઝ મળી ચુક્યો છે જ્યારે બાકી ૧૧ કરોડ (૧૦૪,૨૨૯,૦૫૩) ને બીજો ડોઝ મળ્યો છે. વર્તમાનમાં દેશભરમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ કે ભારત બાયોટેકની કોવૈક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યાં છે. તો દિલ્હી, ગુરૂગ્રામ, બેંગલુરી, ગુવાહાટી, કોચ્ચિ, કોલકત્તા સહિત કેટલાક શહેરોમાં રશિયાના સ્પુતનિક વેક્સીન પણ મળી રહી છે.