બેઇજિંગ,તા.૩
આખી દુનિયામાં જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનું મનાય છે તેવા ચીનના વુહાનમાં આ વાયરસે ફરી દેખા દેતા સત્તાધીશો દોડતા થઈ ગયા છે. મંગળવારે વુહાનના વરિષ્ઠ અધિકારી લી તાઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તંત્ર દ્વારા વુહાનમાં રહેતા તમામ ૧.૧૦ કરોડ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલમાં જ વુહાનમાં એક વર્ષના લાંબા ગાળા બાદ લોકલ ઈન્ફેક્શનનો પહેલો કેસ જોવા મળ્યો હતો. વુહાનના વરિષ્ઠ અધિકારીઓનું માનીએ તો સોમવારે લોકલ ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનના સાત નવા કેસ મળ્યા હતા, તમામ દર્દીઓ માઈગ્રન્ટ કામદારો છે. વુહાનમાં ૨૦૨૦માં કોરોના ફાટી નીકળતા આખાય પ્રાંતમાં જડબેસલાક લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું, અને થોડા વખતમાં જ અહીં વાયરસ કાબૂમાં આવી ગયો હતો. જોકે, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં તે પ્રસરી ચૂક્યો હતો અને તેણે મહામારીનું સ્વરુપ ધારણ કરી લીધું હતું. ચીનના અન્ય ભાગોમાં પણ કોરોનાના કેસો જોવા મળતા લોકોને ઘરમાં જ રહેવા અને પ્રવાસ ના કરવા કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ચીને મોટાપાયે માસ ટેસ્ટિંગ પણ શરુ કર્યું છે. સમગ્ર ચીનમાં મંગળવારે ૬૧ નવા કેસ નોંધાયા હતા. કોરોનાનો ખૂબ જ ઝડપથી ફેલાતો ડેલ્ટા વેરિયન્ટ ચીનના કેટલાક શહેરો સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં જ નાનજિંગ એરપોર્ટના સફાઈ કામદારોમાં નવા વેરિયંટનો ચેપ જોવા મળ્યો હતો અને હવે આખા ચીનમાં આ પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે.
બેજિંગ સહિતના શહેરોમાં આજકાલ લાખો લોકોનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. રહેણાંક વિસ્તારોને કોર્ડન કરવામાં આવી રહ્યું છે અને દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. સોમવારે ૪૦ નવા કેસ મળતા પૂર્વ ચીનના નાનજિંગ નજીકના યાંગઝોઉ શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી દેવાઈ છે. ૧.૩ કરોડની વસ્તી ધરાવતા યાંગઝોઉમાં એક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિને જીવનજરુરિયાતની ચીજવસ્તુ માટે બહાર નીકળવાની છૂટ છે. ચીનમાં ૧૫ જુલાઈથી લઈને અત્યારસુધી ૪૦૦ નવા કેસ સામે આવી ચૂક્યા છે. બેજિંગમાં પણ ટુરિસ્ટની એન્ટ્રી બંધ કરી દેવાઈ છે. લોકોને પણ કામ સિવાય ઘરની બહાર ના નીકળવા જણાવી દેવાયું છે.
Home National International કોરોનાના ડેલ્ટા વેરિયંટથી ફફડી ઉઠ્યું ચીન, લોકોને ઘરની બહાર ના નીકળવા ફરમાન