આરટીઓ સંકુલમાં લાગેલી આગથી ડ્રાઈવીંગ ટ્રેકને નુકશાન

636
gandhi1942018-4.jpg

ગાંધીનગર આરટીઓ સંકુલમાં બે દિવસ અગાઉ રાત્રે ભેદી સંજોગોમાં આગ લાગી હતી. જેને લઈને ડ્રાઈવીંગ ટ્રેકના કેમેરાનો કેબલ પણ બળી ગયો હતો. એટલું જ નહીં ટ્રેક બંધ કરવો પડે તેવી સ્થિતિ પણ ઉભી થઈ હતી. ત્યારે આ ઘટના પાછળ કોઈ અસામાજીક તત્ત્વોનો હાથ હોવાની શંકા જતાં સીસીટીવી ફુટેજ પણ તપાસવામાં આવ્યા છે. સરકારને સૌથી વધારે કમાઈને આપતાં આરટીઓ વિભાગમાં સુરક્ષાના નામે છીંડાના અગાઉ પણ પુરાવા મળ્યા હતા ત્યારે બે દિવસ પહેલા ભેદી સંજોગોમાં આગ લાગવાના બનાવે આરટી ઓની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉભા કર્યા છે. 
બનાવની વિગત એવી છે કે બે દિવસ પહેલા રાત્રીના સમયે આરટીઓ સંકુલ પાછળના જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. જેનાથી આરટીઓના ડ્રાઈવીંગ ટ્રેકના કેમેરાનો કેબલ પણ બળી ગયો હતો. એટલું જ નહીં કેબલ બળી જતાં ટ્રેક ગઈકાલે બંધ રાખવો પડયો હતો. તેના કારણે લાયસન્સ પણ ઓછા નીકળ્યા હતા. ત્યારે જંગલમાં લાગેલી આગ કુદરતી હતી કે કોઈ અસામાજીક તત્ત્વોએ આરટીઓને નુકશાન પહોંચાડવા માટે આગ લગાડી હતી તે જાણવા માટે સંકુલના સીસીટીવી ફુટેજ પણ ચેક કરવામાં આવી રહયા છે. 
અગાઉ ડ્રાઈવીંગ ટ્રેકની જવાબદારી એજન્સીના માથે હતી જે હવે એઆરટીઓએ પોતાના હસ્તક કરી દીધી છે. ત્યારે આ બાબત પણ ઘણા તર્કવિતર્ક ઉપજાવે તેમ છે.

Previous articleશહેરની સિવિલમાં ચોરીઓ રોકવા પોલીસ પોઇન્ટ મુકાયો
Next articleસેકટર ૧૯માં આઈપીએલ પર સટ્ટો રમતા બેની ધરપકડ