ટોક્યો,તા.૩
ટોક્યો ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારત માટે સારો રહ્યો નથી. હોકીની સેમિફાઇનલ મેચમાં બેલ્જિયમ સામે ભારતનો ૫-૨થી પરાજય થયો છે તો રેસલિંગમાં સોનમે પણ હાર સાથે શરૂઆત કરી છે. ભારતની જ્વેલિન થ્રો એથ્લીટ અનુ રાની પણ ફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી. હવે આજે ભારતની ઓલિમ્પિકમાં એક ઇવેન્ટ બાકી છે. શોટ પુટમાં ભારતીય એથ્લીટ તજિન્દર પાલ સિંહ એક્શનમાં જોવા મળશે. આ ઇવેન્ટ ભારતીય સમયાનુસાર સાંજે ૩.૪૫ કલાકે શરૂ થશે. ભારતીય મહિલા યુવા રેસલર સોનમ મલિકને મંગોલિયાની રેસલરે હરાવી દીધી છે. ડેબ્યૂ ઓલિમ્પિકમાં સોનમે હારથી શરૂઆત કરી છે. ઓલિમ્પિકમાં જનારી ભારતની સૌથી યુવા મહિલા રેસલરની પાસે જીતની સાથે પર્દાપણ કરવાની તક હતી. સોનમ અંતિમ ૩૦ સેકેન્ડ પહેલા સુધી ૨-૦ની લીડ બનાવી રાખી હતી, પરંતુ અંતમાં તે લીડ જાળવી શકી નહીં અને તેણે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની અન્નુ રાની ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં ક્વોલિફાઇ કરી શકી નહીં. અન્નુ રાની ૫૪.૦૪ મીટરના નિરાશાજનક પ્રદર્શનની સાથે ૧૪માં સ્થાને રહી. અન્નુ રાનીએ ૧૪ ખેલાડીઓના ગ્રુપ એમાં ૫૦.૩૫ મીટર ભાલુ ફેંકી શરૂઆત કરી અને પોતાના બીજા પ્રયાસમાં ૫૩.૧૯ મીટરનું અંતર કાપ્યું હતું. આ ૨૯ વર્ષીય એથ્લીટે ૧૨ ખેલાડીઓની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે સારૂ પ્રદર્શન કરવાની જરૂર હતી, પરંતુ ૬૨ મીટર સંભવતઃક્વોલીફિકેશનની સંખ્યાની નજીક પણ પહોંચી શકી નથી. અન્નુનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૬૩.૨૪ મીટર છે જેણે આ વર્ષે ફેડરેશન કપમાં હાસિલ કર્યો હતું. પોલેન્ડની મારિયા આંદ્રેજિક એકમાત્ર એથ્લીટ રહી જેણે પ્રથમ પ્રયાસમાં ૬૫.૨૫ મીટર થ્રો કર્યો અને ક્વોલિફાઇ કર્યું છે. નિયમો અનુસાર ૬૩ મીટર ભાલા ફેંકનાર સર્વશ્રેષ્ઠ ૧૨ ખેલાડીઓને ફાઇનલમાં જગ્યા મળે છે. ભાલા વર્ગમાં હવે બધાની નજર નીરજ ચોપડા પર ટકેલી રહેશે, જેની સ્પર્ધા બુધવારે છે.