ગ્વાલિયર-ચંબલમાં પૂરથી સ્થિતિ બની બેકાબૂ, ૫૮૦૦ લોકોનું રેસ્ક્યૂ કરાયું

310

ન્યુ દિલ્હી,તા.૪
મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં પૂરથી સ્થિતિ બેકાબૂ બની છે. અત્યારસુધી ૭ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, ૨૫ લોકો ગુમ છે, જેમની શોધખોળ રેસ્ક્યૂ ટીમ કરી રહી છે. નદી કિનારામાં ફસાયેલાં ગામોથી ૧૯૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે. દતિયામાં મોટી વસતિવાળા વિસ્તારોને પૂરના ભયના કારણે ખાલી કરવામાં આવ્યા છે. શિવપુરીનાં ૧૦૦થી વધુ ગામો ખાલી કરાવવામાં આવ્યાં છે. મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાનું કહેવું છે કે આશરે ૨ હજાર લોકો શિવપુરીમાં ફસાયેલા છે. શિવપુરી પૂરનું કેન્દ્ર બનેલું છે.
ગ્વાલિયર-ચંબલમાં ૨૦૦૦થી વધુ લોકો સરકાર પાસે મદદની આશા લગાવી બેઠા છે. મંગળવારે રાત્રિથી જ સેનાનાં ૪ અલગ-અલગ દળોએ મોરચો સંભાળી લીધો છે. સીએમએ પણ કહ્યું હતું કે સંકટ ઘણું મોટું છે અને અમે સેનાની મદદ લઈ રહ્યા છે. જણાવી દઇએ કે સીએમ ચંબલ ક્ષેત્રમાં આકાશી સર્વે પણ કરવાના છે. ગ્વાલિયર એરપોર્ટથી હેલિકોપ્ટરથી તેઓ શ્યોપુર-શિવપુરીમાં સર્વે કરશે. નરેન્દ્ર મોદીએ ૨ વાર મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે.એક સપ્તાહમાં સતત વરસાદ અને ડેમ ઓવરફ્લોથી નદીઓમાં છોડાયેલા પાણીથી ગ્વાલિયર- ચંબલમાં સ્થિતિ બેકાબૂ બની છે. સૌથી વધુ શિવપુરી, શ્યોપુર, દતિયા અને ગ્વાલિયર જિલ્લા પ્રભાવિત થયા છે. શિવપુરીના કરેરા, પોહરી વિધાનસભાના ૧૦૦થી વધુ ગામ પૂરની ઝપેટમાં છે. ગ્વાલિયરના શિવપુરી નજીક ભિતરવાર અને મોહનામાં પણ સ્થિતિ ખરાબ છે. સિંધ, પાર્વતી, કૂનો, નોન નદીઓના કિનારે વસેલાં ગામો પાણીમાં ડૂબી ગયાં છે.
રાહતની આશા વચ્ચે હજી પણ ૧૬૦૦થી વધુ લોકો ફસાયેલા છે. પાણીના કારણે ગામો ખાલી કરાવવામાં આવ્યાં છે. અહીં ચાર લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. લગભગ ૨૫ લોકો ગુમ છે, જેમની શોધ હજુ બાકી છે. ઘણાં ગામો ડૂબી ગયાં છે. મેરેજ ગાર્ડન, સરકારી શાળાઓ જેવાં સલામત સ્થળોએ રાહત શિબિરો ગોઠવીને લોકોને મદદ કરવામાં આવી રહી છે.
સૌથી ખરાબ પરિસ્થિતિ શિવપુરીમાં છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ અહીંની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મંગળવારે-બુધવારે રાત્રે મુખ્યમંત્રી ચાર શહેરોના કલેક્ટરો, વિભાગીય કમિશનરો અને આઇજી સાથે ક્ષણે ક્ષણિક અપડેટ્‌સ લેવા માટે સતત ચર્ચા કરી રહ્યા છે.
શ્યોપુરમાં ૪ દિવસથી વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. બાંલદાનાળામાં પૂર આવવાથી શ્યોપુર શહેરનો સંપર્ક તૂટી ગયો છે. સીપ નદીમાં પૂર પછી સોઈકલા, માનપુર, સવાઈ માધૌપુર, રૂટથી પણ સંપર્ક તૂટી ગયો છે. ક્વારી નદીના કિનારે ઇકલૌદ ગામમાં ફસાયેલા ૯ લોકોને અને નજીકના એક અન્ય ગામમાં ફસાયેલા ૨૫ લોકોને પ્રશાસને બહાર કાઢ્યા છે. રઘુનાથ પૂરમાં તળાવમાં પાણી ભરાતાં ૩ ગામ જળમગ્ન થઈ ગયાં છે અને ત્યાંના ૧૫૦ લોકોને પ્રશાસને તાત્કાલિક સુરક્ષિત સ્થાન પર ખસેડી ગામ ખાલી કરાવવામાં આવ્યું છે.
અહીં સિંધ નદીમાં આવેલા પૂરને કારણે તબાહી મચેલી છે. ગોરાઘાટ પાસે સિંધ નદી પર બનેલો લાંચનો પુલ તણાઇ ગયો છે. અહીં આશરે ૧૮ ફૂટ પાણી ભરાઈ ગયું છે. આ જ રીતે રતનગઢ મંદિર પાસે પુલનું પાણી ભરાઈ ગયું છે. આશરે ૫૦ ગામોના લોકો ફસાયેલા છે. જિલ્લાના સૌથી મોટા શહેર સેંવઢાને ખાલી કરાવવામાં આવી રહ્યું છે.

Previous articleદેશમાં કોરોના કેસમાં વધારો, ૨૪ કલાકમાં ૪૨,૬૨૫ નવા સંક્રમિત
Next articleઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઇનલમાં આર્જેન્ટિના સામે ૨-૧થી હારી