મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ઇન હાઉસ નિર્માણ થયેલી ૨૫ સ્લીપર કોચને પ્રસ્થાન સંકેત આપતા જાહેર કર્યું હતું કે, આગામી એપ્રિલ-૨૦૧૯ સુધીમાં એસ.ટી.નિગમ વધુ ૧૭૦૦ બસ ઇન હાઉસ નિર્માણ કરીને મુસાફર જનતાની સેવામાં સમર્પિત કરશે.
મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો ૩૬૦ ડિગ્રી કાયાકલ્પ થયો છે અને હવે નાગરિકોને સુવિધા માટે વોલ્વો, એ.સી. સહિતની અદ્યતન બસો પરિવહન સેવામાં આમેજ કરવામાં આવી છે તેની ભૂમિકા આપી હતી.
ભૂતકાળમાં એસ.ટી.નિગમ ઉપેક્ષિત રહ્યું અને બસો પણ ખખડપંચમ જેવી હાલતમાં હતી, પરંતુ આ સરકારે પ્રોપર પ્લાનીંગ અને ઉપલબ્ધ સંશોધનોના મહત્તમ વિનિયોગથી આજે એસ.ટી. નિગમને અન્ય રાજ્યો માટે પ્રેરણાદર્શક બનાવ્યું છે.
ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ ઇન હાઉસ સ્લીપર કોચ બસ બોડી બનાવનારૂ દેશનું પ્રથમ નિગમ બન્યું છે તે માટે તેમણે કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. માર્ગ વાહન વ્યવહાર નિગમ નરોડામાં એશિયાનું સૌથી મોટું વર્કશોપ ધરાવે છે. આ વર્કશોપમાં તમામ જરૂરી સુવિધાઓ અને સુરક્ષાના માપદંડો સાથે નિગમના જ ટેકનીકલ કર્મીઓએ ૩૧ સ્લીપર કોચનું નિર્માણ કર્યું છે.
રાજ્ય સરકારે એસ.ટી. નિગમને ૧૫૦૦ સુપર એક્સપ્રેસ તેમજ ૩૨૫ સેમી લકઝરી બસની ચેસીસ ખરીદી તેના પર ઇન હાઉસ બસ બોડી બનાવવા મંજૂરી આપી છે.
સ્લીપર બસના આ પ્રજાર્પણ અવસરે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ, રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ તથા વરિષ્ઠ સચિવો અને નિગમના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.