રાજકોટ,તા.૪
ગુજરાતમાં રૂપાણી સરકારના ૫ વર્ષ પૂરા થવા પર રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત આજે ભાજપ દ્વારા “નારી ગૌરવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપની ઉજવણીની સમાંતર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ સરકાર વિરોધી કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે.
જેમાં આજે મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં કોંગ્રેસના નેતાઓ અને મહિલા આગેવાનો દ્વારા મહિલા સુરક્ષાના નામે ભાજપ સરકાર પર જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ લગાવવા ઉપરાંત સરકારના “નારી ગૌરવ દિવસ”ના વિરોધમાં સુત્રોચાર સાથે રેલી યોજી દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળા, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, અર્જુનભાઇ ખાટરિયા, સહિતનાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ તકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યની રૂપાણી સરકાર પર સંગીન આક્ષેપ કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં બેન-દીકરીઓ સલામત નથી. બીજી તરફ પોલીસ દ્વારા મંજૂરી વિના વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
તાપીમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
આજ રીતે તાપીના ઉચ્છલમાં પરેશ ધાનામીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓ બેનરો સાથે સુત્રોચાર કરતા નીકળ્યા હતા. જે બાદ તાપી પોલીસે પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામૂક્કીના દ્રશ્યો સર્જાયા હતા.
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાજપના સમાંતર “નારી વિરોધી ભાજપ” કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.