ઘોઘાના વાળુકડ અને મહુવાના ભગુડા તથા ગારિયાધાર ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયા
પ્રથમ ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ’સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના પાંચમા દિવસે ભાવનગર જિલ્લામાં ‘કિસાન સન્માન દિવસ’ અંતર્ગત ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ અને મહુવા તાલુકાના ભગુડા તથા ગારિયાધાર તાલુકા ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયાં હતાં.ઘોઘા તાલુકાના વાળુકડ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે, આઝાદી પહેલાં અને આઝાદી બાદ પણ ભારત દેશના ખેડૂતની હાલત ખરાબ રહી હતી. પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના દ્વારા નાણાંકીય, ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી, વ્યાજમાફી, ધિરાણ સહાય, તેમજ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના, સાત પગલાં ખેડૂત કલ્યાણના જેવાં પગલાઓ દ્વારા ખેડૂતની આવક બમણી થાય અને રાજ્યનો ખેડૂત આત્મનિર્ભર બને તે માટે અનેક કદમ ઉઠાવ્યાં છે. વર્તમાન સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વિજળી આપી છે. જેથી ખેડૂતને રાત્રીના ઉજાગરાં કરવામાંથી મુક્તિ મળશે. એક સમય એવો હતો કે, વાળું વેળાએ વીજળી મળશે કે કેમ તેના વિશે સંશય હતો. આજે રાજ્યના ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા ૨૪ કલાક ગામડામાં પણ વીજળી મળે તેવું સુદ્રઢ વીજ માળખું રાજ્ય સરકારે ઉભું કર્યું છે. આ સંદર્ભમાં કહ્યું કે, તાઉતે વાવાઝોડા વખતે બીજા રાજ્યમાં ૩ મહિને પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત ન થાય તેવાં વિપરીત સંજોગોમાં ગુજરાતમાં માત્ર ૧૫ જ દિવસમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઇ ગયો હતો. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૩ મહિના પહેલાં શરૂ કરેલ સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાથી રાજ્યના ખેડૂતને વાવણી થી માંડીને વેચાણ સુધીની સહાયતા અને મદદ કરી છે. તેમણે ઉમેર્યું કે, જગતના તાત એવા કૃષિના ઋષિને આકાશ સામે જોઇને લમણે હાથ મુકવાના દિવસો હવે ભૂતકાળ બની ગયાં છે. આધુનિક કૃષિ યુનિવર્સિટીઓના જ્ઞાનને સથવારે રાજ્યનો ખેડૂત આજે નવાં નવાં કૃષિ પ્રયોગો કરતો થયો છે અને તે દ્વારા કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. ચેરમેનએ કહ્યું કે, આજે રાજ્યમાં ૮૦ કરોડના બીજ સંગ્રહ ગોડાઉનના લોકાર્પણ રાજ્યમાં થવાના છે. આજથી ૧,૫૦૨ ગામડાના ૧.૨૫ લાખ ખેડૂતોને વીજળીનો લાભ મળવાની શરૂઆત થવાની છે. રાજ્યના ખેડૂતોને છેલ્લાં પાંચ વર્ષમાં ૨૯ હજાર કરોડની વીજળીની સીધી સહાય આપી છે. ૮,૦૨૯ કરોડની ધિરાણ પર વ્યાજમાફી આપી છે. રાજ્ય સરકારે શિક્ષણ પછી સૌથી મોટું બજેટ કૃષિ માટે ફાળવ્યું છે. આજે ઘોઘા તાલુકાના ૨૮ ગામો પણ કિસાન સૂર્યોદય યોજનાથી જળહળાં થવાનાં છે. રાજ્ય સરકારના કૃષિ લગતાં પગલાઓને કારણે ગુજરાત ઇસબગુલ, મગફળી, ચણાં,વળીયાળીના ઉત્પાદનમાં દેશમાં નં.૧ છે. ગુજરાતના ભાલિયા ઘઉં, ગીર અને કચ્છની કેસર અને કૃષ્ણ કમોદ ચોખાને રાષ્ટ્રીય ઓળખ મળી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ખેડૂતોને ૫,૨૩૨ કરોડની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ૬૩૫ કરોડના ટ્રેુક્ટર સહાયનો લાભ મળ્યો છે. ટેકાના ભાવમાં ૨૦૦ થી ૩૦૦ ટકાનો વધારો કર્યો છે અને તે દ્વારા ખેડૂતની હાલતમાં સુધારો કરીને તેને યાચકની ભૂમિકામાંથી બહાર લાવવાનું કાર્ય વર્તમાન સરકારે કર્યું છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે અનેક ખેડૂત કલ્યાણકારી યોજનાઓ થકી પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખીની ભાવના સાથે અનેક નવા આયામો શરૂ કરી જ્યાં માનવી ત્યાં સુધી સેવા અને સુવિધાનો વિસ્તાર કર્યો છે.કલેક્ટર યોગેશ નીરગુડેએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, જગતનો તાત એવો ખેડૂત જગતનું પોષણ કરે છે ત્યારે તેને સગવડ અને સુવિધા મળે તો તેના બાવળામાં બળ આવે અને તે વધુ સારી રીતે કાર્ય કરી શકે. કિસાન સન્માન નિધિના કાર્યક્રમ દ્વારા ખેડૂતોને સાધન-સહાય મળવાથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પ્રાંત અધિકારી પુષ્પલતા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન કામુબેન ચૌહાણ, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જાન્હવીબા ગોહીલ, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ ડાંગર, ભુપતભાઇ બારૈયા, દિગ્વિજયસિંહ ગોહિલ, અરવિંદભાઈ ડાભી, પ્રવિણભાઈ બારૈયા સહિતના પધાધિકારીઓ-મહાનુભાવો તથા જિલ્લા વહિવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.