એક મહિનાથી તૈયાર થઈ ગયેલા ઉત્કલનગર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાની જાહેરાત કોંગ્રેસે ૨૧મી સપ્ટેમ્બરે કરી હોવાના કારણે ભાજપ શાસકો પહેલા ૨૪મી સપ્ટેમ્બરે બ્રિજનું લોકાર્પણ કરવાના હતા. જેમાં ફેરફાર કરીને હવે ૨૧મી સપ્ટેમ્બરે જ બ્રિજનું લોકાર્પણ કરવાનું નક્કી કર્યુ હતું. આજે એક સાઈડથી ભાજપ અને બીજી સાઈડથી કોંગ્રેસે ઉદ્ધાટન કર્યું હતું. જેમાં બન્ને આમને-સામને આવી જતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. જોકે, પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો.
કોંગ્રેસના ડરે રેલવે ઓવરબ્રિજનું ઉદ્ધાટન ભાજપ દ્વારા મંત્રી નાનુ વાનાણીના હસ્તે આજે કરવાનું નક્કી કર્યું હતું. જેમાં આજ રોજ બ્રિજના ગજેરા સર્કલ તરફથી નાનુ વાનાણીએ બ્રિજનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યારે કોંગ્રેસે કરેલી જાહેરાત મુજબ અશ્વિનીકુમાર તરફથી જય સરદાર, જય પાટીદારના નારા સાથે બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. જેથી ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. ભાજપ કોંગ્રેસ આમને-સામને આવી જવાના એંધાણના કારણે પહેલાંથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. જ્યારે કોંગ્રેસે આ બ્રિજનું નામ પ્રમુખ સ્વામી બ્રિજ રાખ્યું છે.
કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ ૨૧મી સપ્ટેમ્બરના રોજ ઉત્કલનગર રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકવાની જાહેરાત સોશિયલ મીડિયામાં કરી હતી. કારણ કે ઉત્કલનગર રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર હોવા છતાં છેલ્લા એક મહિનાથી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નહતું. તેના કારણે લોકોને થતી પરેશાની દુર કરવા ૨૧મી સપ્ટેમ્બરે બ્રિજ ખુલ્લો મુકવાની જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપ શાસકોએ આ બ્રિજનુ લોકાર્પણ કરવા માટે ૨૪મી સપ્ટેમ્બરનો દિવસ નક્કી કર્યો હતો. પરંતુ કોંગ્રેસ બે દિવસ પહેલાં જ બ્રિજ ખુલ્લો મુકી દે તેમ હોવાની વિગતો જાણવા મળતા છેલ્લી ઘડીએ તારીખમાં ફેરફાર કરીને ૨૧મી સપ્ટેમ્બરના રોજ જ ઉત્કલન નગર રેલવે ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવાનું નક્કી કર્યુ હતું.