મોણપુર સ્ટેટના રાજવી તથા સરપંચ રાજદીપસિંહ ગોહિલે આગામી દિવસોમાં નિર્માણ પામનાર ગ્લોબલ આયુર્વેદ હબ પ્રોજેક્ટ માત્ર મોણપુર જ નહીં પરંતુ સમગ્ર તાલુકા અને જિલ્લાના વિકાસ માટે ઘણું મદદરૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રોજેક્ટના કારણે સમગ્ર તાલુકાના લોકોની રોજગારીનો દર વધશે તથા તેમનું જીવનધોરણ ઉંચુ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી અને મોણપુર ગામ તથા ગામવાસીઓ તરફથી ગ્લોબલ આયુર્વેદ હબ પ્રોજેક્ટને સંપૂર્ણ સાથ અને સહકારની ખાતરી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય આયુર્વેદ બોર્ડના ચેરમેન હસમુખભાઈ સોનીએ જણાવ્યું કે મોણપુર ગામ ખાતે આકાર લેનાર ગ્લોબલ આયુર્વેદ હબ એ એક અનોખા પ્રકારનું અને વૈશ્વિક કક્ષાનું આરોગ્યલક્ષી નિર્માણ નો વિચાર છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આયુર્વેદના ભગવાન શ્રી ધન્વંતરી દેવનું વિશ્વ કક્ષાનું મંદિર, આયુર્વેદ ગ્રામ, આયુર્વેદ રિસર્ચ સેન્ટર, આયુર્વેદ કોલેજ, આયુર્વેદ યુનિવર્સિટી, આયુર્વેદ ઔષધિ તથા દવા બનાવતી કંપનીઓના ૮૦૦થી વધારે કંપનીઓના મેન્યુફ્રેક્ચરિંગ યૂનિટ્સ તથા આ ઔષધિ અને દવાના ઉત્પાદન માટે જરૂરી વનસ્પતિ-ઔષધિઓનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, વિશ્વ કક્ષાનું આયુર્વેદિક દવાનું માર્કેટ તથા બીજું ઘણું બધું એક જ નેજા હેઠળ અસ્તિત્વમાં આવશે. ફક્ત રાજ્ય કે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના નાગરિકો આયુર્વેદના માધ્યમથી વધારે આરોગ્યપ્રદ જીવન જીવી શકે તેનું સચોટ માર્ગદર્શન અને યોગ્ય દિશા-નિર્દેશ મળી રહે તેવું અહીં આયોજન કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર કિરીટભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વિશ્વ કક્ષાના આરોગ્યલક્ષી પ્રોજેક્ટથી ગુજરાત રાજ્યનું નામ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઝળહળી ઉઠશે. આ સાથે તેમણે આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ જરૂરી અને આરોગ્ય અભ્યાસુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવા આંતરરાષ્ટ્રીય કક્ષાના બોટોનિકલ ગાર્ડનના નિર્માણનું પણ આયોજન અહીં કરવામાં આવે તેવો વિચાર વ્યક્ત કર્યો.