પૂર્વી લદાખના ગોગરા વિસ્તારમાંથી પાછળ હટી ભારત-ચીનની સેના

562

ન્યુ દિલ્હી,તા.૬
ભારત-ચીન સરહદ પર ડિસઈંગેઝમેન્ટને લઈને ભારતીય સેનાનું મોટું નિવેદન આવ્યું છે. ભારત અને ચીનની ટુકડીઓ પૂર્વ લદ્દાખના ગોગરા વિસ્તારમાંથી પાછળ હટી છે. બંને પક્ષો વચ્ચે ૧૨મા રાઉન્ડની વાતચીતમાં થયેલી સર્વસંમતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગોગરામાં કામચલાઉ બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ શુક્રવારે આ માહિતી આપી હતી. સેનાએ કહ્યું કે બંને પક્ષો દ્વારા બાંધવામાં આવેલ અન્ય માળખાગત સુવિધાઓનો નાશ કરવામાં આવ્યો છે અને આની પુષ્ટિ પણ કરવામાં આવી છે. સેનાએ કહ્યું કે, ૪-૫ ઓગસ્ટના રોજ બંને દેશોની સેનાઓ ગોગરા ચોકી પરથી ખસી ગઈ. બંને પક્ષો હવે પોતપોતાના કાયમી સ્થાનો પર તૈનાત છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, બંને પક્ષો દ્વારા આ વિસ્તારમાં બાંધવામાં આવેલા તમામ કામચલાઉ માળખા અને અન્ય સંકળાયેલ માળખાને તોડી પાડવામાં આવ્યા છે અને આ બાબત તેમની વચ્ચે પુષ્ટિ પણ કરવામાં આવી છે. આ વિસ્તારમાં લેન્ડફોર્મ (જમીનનું એક કુદરતી સ્વરૂપ) બંને પક્ષો દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, કારણ કે તે વિવાદ શરૂ થયા પહેલાથી હતુ. તેમણે આગળ કહ્યું કે, આ કરાર સુનિશ્ચિત કરે છે કે, આ ક્ષેત્રમાં એલએસીનું બન્ને પક્ષો દ્વારા કડકાઈથી પાલન કરે અને સન્માન કરવામાં આવશે અને યથાસ્થિતિમાં એકતરફી ફેરફાર કરવામાં નહીં આવે. સેનાએ જણાવ્યું હતું કે, ગોગરામાંથી સેનાને પાછી હટવાની સાથે અન્ય એક સંવેદનશીલ વિસ્તારનો ઉકેલ આવ્યો છે. બંને પક્ષોએ સંવાદને આગળ વધારવા અને પશ્ચિમ વિસ્તારમાં એલએસી સાથે બાકીના મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. લશ્કરી વાટાઘાટોના છેલ્લા રાઉન્ડમાં, બંને પક્ષોએ આ વિસ્તારમાં તણાવ ઘટાડવાના વ્યાપક ઉદ્દેશ સાથે હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપસાંગમાં સૈનિકો પાછા ખેંચવાની સાથે આગળ વધવાના રસ્તા પર ચર્ચા કરી. જોકે, સૈનિકો પાછા ખેંચવાની દિશામાં આગળ કોઈ પ્રગતિ થઈ નથી. અગાઉ ફેબ્રુઆરીમાં, બંને પક્ષોએ શ્રેણીબદ્ધ લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો બાદ પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠેથી સૈનિકો અને હથિયારો પાછા હટાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

Previous articleRBIએ સતત સાતમી વખત વ્યાજ દર ૪ ટકા પર યથાવત રાખ્યા
Next articleજોનસન એન્ડ જોનસને ભારતમાં સિંગલ ડોઝ વેક્સિનની મંજૂરી માંગી