ફ્યુચર-રિલાયન્સના મર્જર પર રોકઃ એમેઝોનની સુપ્રિમમાં જીત

572

ન્યુ દિલ્હી,તા.૬
રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એમેઝોનના પક્ષમાં નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપના આશરે ૨૪ હજાર કરોડની ડીલ પર રોક લાગી ગઇ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે સિંગાપુરમાં જે ઇમરજન્સી આર્બિટ્રેશનનો નિર્ણય છે, તે ભારતમાં પણ લાગુ થશે. મહત્વપૂર્ણ છે કે સિંગાપુરમાં રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપના નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી હતી, તે બાદ ભારતમાં પણ એમોઝનના વિલય સોદા વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપની ૨૪ હજાર કરોડની ડીલ વિરૂદ્ધ એમેઝોને સૌથી પહેલા દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, હાઇકોર્ટે આ ડીલ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. તે બાદ એમેઝોન તરફથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. દેશના અલગ અલગ ભાગમાં પ્રચલિત બિગ બજાર ફ્યૂચર ગ્રુપનો જ ભાગ છે. કેટલાક સમય પહેલા રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપમાં રિટેલ માર્કેટને લઇને સૌથી મોટી સમજૂતિ થઇ હતી અને ૨૪,૭૧૩ કરોડની ડીલ બાદ રિલાયન્સ પાસે ફ્યૂચર ગ્રુપના માલિકીનો હક આવી ગયો હતો.
આ ડીલ પર એમેઝોને વિરોધ નોંધાવ્યો હતો કારણ કે ફ્યૂચર ગ્રુપની જ એક કંપનીમાં એમેઝોનની ૪૯ ટકા ભાગીદારી હતી. ડીલ અનુસાર, જો કંપની વેચવામાં આવે છે તો ખરીદીનો પ્રથમ અધિકાર એમેઝોનનો જ હશે પરંતુ રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની ડીલમાં તેનું પાલન થયુ નહતું. એમેઝોને તેને લઇને સૌથી પહેલા સિંગાપુરની એક કોર્ટમાં અરજી કરી હતી જ્યા એમેઝોનના પક્ષમાં નિર્ણય આવ્યો હતો, તે બાદ આ કેસ દિલ્હી હાઇકોર્ટ પહોચ્યો હતો, જેમાં હાઇકોર્ટે ડીલ આગળ વધારવા કહ્યુ હતુ પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેની પર રોક લગાવી દીધી છે.

Previous articleજોનસન એન્ડ જોનસને ભારતમાં સિંગલ ડોઝ વેક્સિનની મંજૂરી માંગી
Next articleસાંબામાં ડ્રોનમાંથી ફેંકવામાં આવેલા હથિયારો જપ્ત કરાયાઃ સર્ચ ઓપરેશન હાથ ધરાયું