મુંબઇ,તા.૬
મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે શુક્રવારે ભાજપ નેતા અને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તેમના ઘરે કૃષ્ણકુંજ જઈને મુલાકાત કરી. મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને લઈને કેટલાય પ્રકારની અટકળો છેલ્લા કેટલાક મહિનાઓથી છવાયેલી હતી. મુલાકાત બાદ ચંદ્રકાંત પાટીલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યુ, મારી રાજ ઠાકરે સાથે મુલાકાત થઈ. તેમણે મને ચા પીવા બોલાવ્યો હતો. આ દરમિયાન અમે રાજકારણ વિશે વાતો પણ કરી. મે તેમને કહ્યુ કે ભાજપ સાથે ગઠબંધન માટે આપે ઉત્તર ભારતીયો પ્રત્યે પોતાનુ સ્ટેન્ડ બદલવુ પડશે. જેની પર તેમણે કહ્યુ કે મારા મનમાં ઉત્તર ભારતીય માટે કોઈ દ્વેષ અથવા કટુતા નથી. હુ યુપી-બિહારમાં પણ જઈને એ જ કહીશ કે અહીંના સ્થાનિક લોકોને નોકરીમાં ૮૦ ટકા પસંદગી આપવામાં આવે. ચંદ્રકાંત પાટીલે કહ્યુ કે કેટલાક દિવસ પહેલા હુ અને રાજ ઠાકરે સંયોગથી નાસિક શહેરમાં હતા. ત્યાં અમારી આકસ્મિક મુલાકાત થઈ હતી. ત્યારે તેમણે મને ઘરે ચા પીવા આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ. આ તે જ મુલાકાત છે. હમણા અમારે સાથે મળીને ચૂંટણી લડવાના વિષયમાં કોઈ ચર્ચા થઈ નથી. ચંદ્રકાંત પાટીલે કહ્યુ કે અમે ગયા વર્ષથી જ એ વાત કરી રહ્યા છે કે જ્યાં સુધી રાજ ઠાકરે પોતાનુ સ્ટેન્ડ સાર્વજનિક રીતે બદલતા નથી, ત્યાં સુધી બીજેપી-એમએનએસની સાથે આવવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.