ધોનીના ટિ્‌વટર પરથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું

516

ન્યુ દિલ્હી,તા.૬
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટિ્‌વટર પરથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું છે. જોકે, બ્લૂ ટિક હટવા પાછળનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે, ધોની ટિ્‌વટર પર ઓછો સક્રિય છે. ટિ્‌વટર પર તેના લગભગ ૮.૨ મિલિયન ફોલોઅર્સ છે. મહેન્દ્રસિંહ ધોનીએ છેલ્લે ૮ જાન્યુઆરીના દિવસે ટિ્‌વટ કર્યું હતું. ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ બન્યા છે, જ્યારે ટિ્‌વટરે કોઈપણ નીતિનું ઉલ્લંઘન કરવા બદલ અથવા તો યુઝર સક્રિય ન હોય એવામાં એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હોય. જોકે, ધોનીનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું નથી, પરંતુ બ્લૂ ટિક હટાવી લેવામાં આવ્યું છે. કેપ્ટન કૂલ ટિ્‌વટર પર ભલે સક્રિય ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેમનું નામ હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક ધોની તેના ફાર્મ હાઉસમાં ખેતી કરતા જોવા મળે છે, અને ક્યારેક તેની અલગ હેરસ્ટાઇલને કારણે તે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, જ્યારે હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકીમે તેની નવી તસવીરો પોસ્ટ કરી ત્યારે ધોની ચર્ચામાં આવ્યો હતો. તેણે મહેન્દ્ર સિંહ ધોનીની હેરસ્ટાઇલ પર કામ કર્યું, જેને લોકોએ પણ વખાણ્યું. ચાહકો દ્વારા ધોનીનો નવો દેખાવ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ક્રિકેટની દુનિયામાં મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ બાદ પણ ચર્ચામાં રહે છે. તેનું કારણ એ છે કે, તેના શોખ બાકીના લોકો કરતા ઘણા અલગ છે. ક્યારેક ખેતીને કારણે તો ક્યારેક દેખાવને કારણે ધોની હંમેશા ચર્ચામાં રહે છે. તેના ચાહકો હંમેશા તેની અલગ શૈલીની પ્રશંસા કરે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લીધી હોવા છતાં, કેપ્ટન કૂલ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર જોવા મળશે. એમ.એસ.ધોની ટૂંક સમયમાં UAEમાં આઈપીએલના બીજા ભાગ માટે ચેન્નઈ સુપર કિંગ્સ કેમ્પમાં જોડાશે.

Previous articleઉલ્લુ એપના સીઈઓ વિરુદ્ધ મહિલાએ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો, કેસ દાખલ
Next articleદિપક હોલ પાસે રેલ્વેની દિવાલ હટાવી રસ્તો પહોળો કરવા કિશોર ભટ્ટની રજૂઆત