સિહોર નજીકના નેસડા ગામે બે માસુમ બાળકો સાથે માતાએ એસીડ પીધું

434

બંન્ને માસુમ બાળકો અને માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
સિહોર નજીકના નેસડા ગામે સંયુક્ત પરિવારમાંથી જુદા રહેવા જવાની પતિએ ના પાડતા પત્નિને લાગી આવતા ઉશ્કેરાયેલી પરણીતાએ પોતાના બે માસુમ બાળકોને સાથે રાખી પોતે પણ એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા બંન્ને માસુમ બાળકો અને માતાને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પરણીતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિહોર તાલુકાના નેસડા ગામે રહેતા અને ભાવનગરમાં હિરા ઘસવાનું કામ કરતા રત્નકલાકાર રઘુભાઈ ગેમાભાઈ ડાંગરે સિહોર પોલીસ મથકમાં તેમની પત્નિ હિરાબેન ગોવિંદભાઈ કુવાડિયા સામે એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને છેલ્લા ૬ મહિનાથી મારી પત્નિ અલગ રહેવાની જીદ કરતી હતી જેથી તેમણે બાળકો મોટા થઈ જાય પછી અલગ રહેવા જશું તેમ જણાવ્યું હતું. જેથી તેમની પત્નિએ આવેશમાં આવી તેમના ઘરે પડેલા એસિડના બાટલામાંથી તેમના ૪ વર્ષની દિકરી અને ૨ વર્ષના દિકરાને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી લીધું હતું અને સિહોર પોલીસે ઉક્ત હિરાબેન ગોવિંદભાઇ કુકડીયાની સામે ઇપીકો કલમ ૩૨૬એ મુજબ ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટી પ્રસરી જવા પામી હતી.

Previous articleભાવનગરમાં બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરાયું, રૂ, ૧૪૬ કરોડના ખર્ચે ભૂગર્ભ પાણીની લાઈનનુ કામ પૂર્ણ થતાં લોકાર્પણ કરાયું
Next articleવિશ્વ વિખ્યાત શિપયાર્ડ અલંગ ખાતે એમ્યુઝમેન્ટ વર્લ્ડ ક્રુઝ પોતાની અંતિમ મંજીલે આવી પહોંચ્યું