ભાવનગરની પી.એન.આર. સોસાયટી સંચાલિત હાઈટેક ઈન્ક્‌લુઝિવ હાઈસ્કૂલ દ્વારા શૃંગેરી કર્ણાટકના પ્રાચ્ય ઋષિકુમારનું સન્માન કરાયું

201

ભાવનગર જિલ્લાની પ્રતિષ્ઠિત પી.એન.આર. સોસાયટી સંચાલિત હાઈટેક ઈન્ક્‌લુઝિવ હાઈસ્કૂલમા મ.કો.નિ.પ્રિન્સીપાલ સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી ધંધુકિયા સાહેબ, સેક્રેટરી જનરલ પારસભાઈ શાહ, આચાર્ય હિતેનભાઈ પંડ્યા, દક્ષાબહેન પંડ્યા તેમજ તમામ શિક્ષક શિક્ષિકાઓ અને છાત્ર છાત્રાઓની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી શૃંગેરી કર્ણાટકના પ્રાચ્ય ઋષિકુમાર શ્રી મહર્ષિગૌતમભાઈ દવેને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મહર્ષિગૌતમભાઈ દવેએ છાત્રોને ઉદ્બોધન કરતી વેળાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ વિશ્વમાં જ્યારે એક પણ સ્થાને શિક્ષણનું કેન્દ્ર બન્યું ન હતું. ત્યારે ફક્ત ભારતમાં ગુરુકુળો ચાલતા હતા. જેમાં ગુરુજી દ્વારા શિષ્યોને નિઃશુલ્ક શિક્ષા અને દીક્ષા અપાતી હતી. જેનું મોટુ પ્રમાણ આપણું ઈતિહાસ છે. આજના સમયમાં સંસ્કૃતભાષા અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અર્થે ભારત સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સંસ્કૃત વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિદ્યાલયો અને વિવિધ શૈક્ષણિક કેન્દ્રો સારી રીતે ચલાવવામાં આવે છે. પણ શું તેનાથી ભારતીય સંસ્કૃતિનું પુરતું જતન સંભવ થશે ? તે માટે ઘણી ખરી સ્વતંત્ર પાઠશાળાઓ, પરિષદો, સમિતિઓ અને સંસ્થાઓ નિઃસ્વાર્થભાવે સેવારત છે. જે આપણા માટે સરાહનીય છે. આટલી બધી માત્રામા સંસ્કૃતિનાં સંરક્ષણ અર્થે સંસ્થાઓ કાર્યરત છે તો પછી આપણે વ્યક્તિગત સેવા કરવાની આવશ્યકતા શું કામ ? એવો પ્રશ્ન દરેકને થાય. કારણકે દરેક ભારતીય નાગરિક માં ભારતીનો ઋણી છે. ભારતની પ્રતિષ્ઠાનુ મૂળ સંસ્કૃતભાષા અને ભારતીય સંસ્કૃતિ છે. માટે તેનું સંરક્ષણ કરવું તે દરેક ભારતીયનું પહેલું કર્તવ્ય બને. આવી ઉદાર ભાવના ધરાવતા શ્રી મહર્ષિગૌતમ દવે જેવો પોતાના પરિવારથી સતત બાર વર્ષો સુધી દૂર રહીને ભાગવત વિદ્યાપીઠ સોલા, કાશી તેમજ કર્ણાટકની સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી શૃંગેરીથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને બે મહિના પહેલા જ પોતાની જન્મભૂમિ આવ્યા છે. તેમનો સંકલ્પ છે કે સંસ્કૃત ભાષા જનભાષા બને તે માટે સમસ્ત રાજ્યમા ૧૦૮ નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગો ચલાવવા. જેમાનો પહેલો વર્ગ બાબરા પંથકમાં ત્યારબાદ બીજો વર્ગ અમરેલી ખાતે ત્યારબાદ ભાવનગરના ત્રણ અલગ-અલગ સ્થાનોમાં સમ્ભાષણ વર્ગો ચલાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દરેક વર્ગોની છાત્ર-છાત્રાઓની કુલ સંખ્યા ૧૫૦ ની હતી. જેવો દરેક સરલ સંસ્કૃત બોલવા માટે સક્ષમ બન્યા છે. જે એક સમાજ માટે પ્રેરણાદાયી વાત છે. કાર્યક્રમના અંતે ધંધુકિયા સાહેબે મહર્ષિગૌતમને બિરદાવતા આભાર વ્યક્ત કર્યો હતો કે આપે અમારી સંસ્થાના વિદ્યાર્થીઓને દસ દિવસ સુધી નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરના માધ્યમથી સંસ્કૃત બોલતા શીખવ્યું છે તે માટે અમારી સંસ્થા સદૈવ આપની આભારી રહેશે.

Previous articleમુસ્લિમ એકતા મંચ ગુજરાત અધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પઠાણ વાઘનગરની મુલાકાતે
Next articleકાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે મૌન ધરણા કર્યા