જોનસન & જોનસનની સિંગલ ડોઝ વેક્સિનને દેશમાં મંજૂરી

117

દેશમાં કોરોનાની ચોથી રસી, જોનસન એન્ડ જૉનસનની રસી નોન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર વેક્સિન છે
નવી દિલ્હી, તા.૭
અમેરિકન કંપની જૉનસન એન્ડ જૉનસનની સિંગલ ડોઝ રસીને ભારતમાં મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટિ્‌વટ કરીને જાહેરાત કરી છે. આ દેશમાં ઉપલબ્ધ ચોથી કોરોનાની રસી હશે. સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન, ડો. રેડ્ડીઝની સ્પુતનિક વી પહેલાથી ઉપલબ્ધ છે. સિપ્લાને પણ મોરડર્નાની રસી ઈમ્પોર્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે. જૉનસન એન્ડ જૉનસન કંપની આ રસીનું ઉત્પાદન કઈ રીતે કરશે તે બાબતે વધારે જાણકારી આપવામાં નથી આવી. પરંતુ કંપનીએ ચોક્કસપણે કહ્યું છે કે તેના ગ્લોબલ સપ્લાયમાં બાયોલોજિકલ ઈની મહત્વની ભૂમિકા હશે. આ રસી કોવિડ-૧૯ માટે જવાબદાર સાર્સ-કોવ-૨ વાયરસના જીનેટિક મટિરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. તેને એડી૨૬.કોવ૨.એસ કહેવામાં આવે છે. વાયરસના જીનેટિક કોડનો પ્રયોગ સ્પાઈક પ્રોટીન બનાવવા માટે કરવામાં આવે છે. બીજી પણ ઘણી રસી આ પદ્ધતિથી સુરક્ષા પૂરી પાડે છે. એકવાર શરીરમાં આ રસી પહોંચી જાય તો બીમારી વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરવાની પ્રક્રિયા શરુ કરે છે. જોનસન એન્ડ જૉનસનની રસી નોન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર વેક્સિન છે. જેનો અર્થ છે કે રસીની અંદરનું જીનેટિક મટીરિયલ શરીરની અંદર પોતાની કૉપી તૈયાર નહીં કરે. આ ઘણું જરુરી છે કારણકે જ્યારે વાયરસનો શરીરમાં પ્રવેશ થાય છે તે પોતાની કૉપી બનાવવાનું શરુ કરે છે અને પછી સંક્રમણ ફેલાય છે. આ રસીને ૨થી ૮ ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરી શકાય છે. ખોલી કાઢવામાં આવેલા વાયલ્સ ૯ ડિગ્રીથી ૨૫ ડિગ્રી તાપમાન દરમિયાન ૧૨ કલાક સુધી રાખી શકાય છે. જોનસન એન્ડ જોનસને પોતાની એપ્લિકેશનમાં ફેઝ ૩ ક્લિનિકલ ટ્રાયલના ડેટાનો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, સિંગલ ડોઝ વાળી રસી તમામ ક્ષેત્રોમાં થયેલા અભ્યાસમાં ગંભીર બીમારીને રોકવામાં ૮૫ ટકા સુધી સક્ષમ હતી.

Previous articleટોક્યો ઓલિમ્પિકમાં બજરંગે રેસલિંગમાં બ્રોન્ઝ જીત્યો
Next articleદેશમાં ૨૪ કલાકમાં ૩૮૬૨૮ નવા પોઝિટિવ કેસ નોંધાયા