કેરળમાં ૨૪ કલાકમાં ૧૯,૯૪૮ કેસ નોંધાયા : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૬૧૭ લોકોનાં મોત થયા છે, આ સાથે જ દેશમાં મોતનો દર ૧.૩ ટકા થયો છે
નવી દિલ્હી,તા.૭
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૩૮,૬૨૮ કેસ નોંધાયા છે. ગઈકાલે એટલે કે શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૬૪૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૬૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આજના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૬૧૭ લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં મોતનો દર ૧.૩ ટકા થયો છે. જ્યારે સાજા થવાનો દર ૯૭.૪ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૦,૦૧૭ લોકો સાજા થયા છે. હાલ દેશમાં ૪,૧૨,૧૫૩ એક્ટિવ દર્દી છે. નવા આંકડા જાહેર થયા બાદ દેશમાં અત્યારસુધી કોરોના વારસના કુલ ૩ કરોડ ૧૮ લાખ ૯૫ હજાર ૩૮૫ કેસ થયા છે. આ સાથે જ દેશમાં ૩ કરોડ ૧૦ લાખ ૫૫ હજાર ૮૬૧ લોકો સાજા થયા છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધી ૪૭.૮૩ કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી છે. ૬ ઓગસ્ટના રોજ દેશમાં કુલ ૧૭,૫૦,૦૮૧ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે એકલા કેરળમાં જ ૨૪ કલાકમાં ૧૯,૯૪૮ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં ૧૮૭ લોકોનાં મોત થયા છે. આ સાથે જ ૧૯,૪૮૦ લોકો સાજા પણ થયા છે. હાલ કેરળમાં ૧,૭૮,૭૨૨ એક્ટિવ દર્દી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૫૩૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૫૮૫૯ લોકો સાજા થયા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૧૮૭ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી ૧,૩૩,૭૧૭ લોકોનાં મોત થયા છે. શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૩ કેસ નોંધાયા છે. જેની સામે ૨૪ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૭૭ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૫ ટકા છે.