બડગામ,તા.૭
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટવાના બે વર્ષ પૂરા થઈ ચુક્યા છે. હવે રાજ્યમાં જનજીવન સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ, રાજ્યમાં આતંકીઓ અને તેના વડાઓને શાંતિ પસંદ આવી રહી નથી. તે હંમેશા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. જોકે, રાજ્યની સુરક્ષામાં એલર્ટ આપણા જવાન સમય-સમય પર તેના ઇરાદા પર પાણી ફેરવી દે છે. શનિવારે સુરક્ષાદળોએ બડગામમાં અથડામણ દરમિયાન એક આતંકીને ઠાર કરી દીધો હતો. જમ્મુ-કાશ્મીરના બડગામના મોચવા વિસ્તારમાં શનિવારે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થી ગઈ છે. આ અથડામણમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. મૃત આતંકીની પાસે એકે-૪૭ અને પિસ્તોલ જેવા હથિયાર જપ્ત થયા છે. કાશ્મીર જોન પોલીસે એનકાઉન્ટરની જાણકારી આપતા કહ્યુ- બડગામના મોચવા વિસ્તારમાં એનકાઉન્ટર શરૂ થઈ ગયું છે, પોલીસ અને સુરક્ષાદળો પોતાનું કામ કરી રહ્યાં છે. થોડા સમય બાદ કાશ્મીર જોન પોલીસે એનકાઉન્ટર વિશે અપડેટ આપતા કહ્યુ- એનકાઉન્ટમાં એક આતંકી માર્યો ગયો છે. તેની ઓળખ થઈ શકી નથી. એક એકે-૪૭ અને એક પિસ્તોલ જપ્ત થઈ છે. સર્ચ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. આ પહેલા શુક્રવારે જમ્મુના રાજૌરીમાં પણ સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી હતી. સુરક્ષાદળોએ અહીં એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ અથડામણ થાનામંડીના જંગલોમાં થઈ હતી.