નવસારી,તા.૭
નવસારી નજીક ટ્રેનને ઉથલાવી નાખવાનું કાવતરું રચ્યું હતું પરંતુ માલગાડીના એક ડ્રાઇવરની સમય સુચકતાના કારણે આ કાવતરૂં નિષ્ફળ ગયું છે. જો આ માલગાડીના ડ્રાઇવરની નજર રેલવે ટ્રેક પર મૂકેલી લોખંડની એંગલો પર પડી ન હોત તો મોટૂ દુર્ઘટના સર્જાઇ ગઈ હોત. મળતી માહિતી અનુસાર, ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી તરફ આવી રહેલી ટ્રેનના રેલવે ટ્રેક પર ઉપર કોઈ અસામાજિક તત્વોએ લોખંડની એંગલો મૂકી દીધી હતી. આ એંગલો બંધ ટ્રેક પર નહોતી પરંતુ ઉપયોગમાં લેવાતા ટ્રેક પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન રોજના રૂટ પર બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડીના ડ્રાઇવરની નજર આ એંગલો પર પડી હતી. આ દૃશ્યો જોતા જ તે ચોકી ગયો હતો. માલગાડીના ડ્રાઇવરે તાત્કાલિક વાયરલેસ દ્વારા સ્ટેશન માસ્ટરને આ અંગે જાણકારી આપી હતી. જેથી એક મોટી દુર્ઘટનાને ટાળી શકાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તે સમયે જ મેમુ પસાર થવાનો સમય પણ થઇ ગયો હતો. જોકે, માલગાડીના ડ્રાઈવરની સમયસૂચકતાએ અનેક લોકોના જીવ બચાવી લીધા હતા.