વડોદરા,તા.૭
બેચના બોન્ડનો સમયગાળો, સાતમા પગાર પંચ પ્રમાણેનું વેતન તેમજ અન્ય રાજ્યોની જેમ એસ.આર. બોન્ડની યોજના રાજ્યમાં લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરાની સયાજી હોસ્પિટલના ૬૦૦થી વધુ તબીબો દ્વારા શરૂ કરવામાં આવેલ આંદોલન દિવસે-દિવસે ઉગ્ર બની રહ્યું છે. આજે તબીબોએ હડતાળના ચોથા દિવસે કેમ્પસમાં રેલી કાઢી સરકાર વિરૂધ્ધ વીવોન્ટ જસ્ટીસના સુત્રોચ્ચાર કર્યા હતા. તબીબોએ સરકાર દ્વારા તબીબોની હડતાળને તોડી પાડવા માટે મોડી સાંજે હોસ્ટેલ ખાલી કરવાની આપેલી નોટિસના પગલે તબીબોમાં પણ સરકાર વિરૂધ્ધ પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, સરકાર ગમે તેટલા હડતાળ તોડવા પ્રયાસો કરવામાં આવે. પરંતુ, અમારા ઇરાદાને તોડી શકશે નહિં. બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા બુધવારે સાંજે ૫ વાગ્યાથી ડયુટીથી અળગા રહીને વિરોધ દર્શાવાયો હતો. તેઓના જણાવ્યા પ્રમાણે બેચના બોન્ડનો સમયગાળો ૧ઃ૨ રાખવા, બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગાર પંચ પ્રમાણે વેતન આપવામાં આવે, પ્રથમ વર્ષના પી.જી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને તેમનું શૈક્ષણિક વર્ષ કોરોનાના કારણે વેડફાયુ હોવાથી તેમની શૈક્ષણિક સંસ્થામાં નિમણૂંક કરવામાં આવે, અન્ય રાજ્યોની માફક જીઇ બોન્ડની યોજના ગુજરાતમાં પણ લાગુ કરાય તેવી માંગ ઉચ્ચારાઇ છે. સયાજી હોસ્પિટલના ૬૦૦થી વધુ રેસિડેન્ટ તબીબોએ હડતાળના ચોથા દિવસે હોસ્પિટલ કેમ્પસમાં સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. તે સાથે સરકાર દ્વારા હડતાળ તોડવા માટે હોસ્ટેલ છોડવા માટે આપેલી નોટિસનો વિરોધ કરવામાં આવ્યો હતો.