બાંગ્લાદેશ સામે સળંગ ત્રણ મેચોમાં હાર મેળવી ઓસ્ટ્રેલિયાએ ૩-૦ થી શ્રેણી ગુમાવી

134

ઢાકા,તા.૭
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. જ્યાં તે ટી૨૦ સિરીઝ બાંગ્લાદેશ સામે રમી રહ્યુ છે. જ્યાં ઓસ્ટ્રેલિયાની હાલત એકદમ ખરાબ થઇ ચુકી છે. બાંગ્લાદેશ સામે સળંગ ત્રણ મેચોમાં હાર મેળવીને ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ગુમાવી દીધી છે. બાંગ્લાદેશે જબરદસ્ત રમત સાથે ઓસ્ટ્રેલિયા પર શ્રેણી વિજય પ્રાપ્ત કરી ઇતિહાસ રચી દીધો હતો. પાંચ ટી૨૦ મેચોની સિરીઝમાં બાંગ્લાદેશ ૩-૦ થી આગળ છે. ત્રીજી ટી૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયા ૧૦ રનથી બાંગ્લાદેશ સામે હાર્યુ હતું. ઓસ્ટ્રેલિયાની સામે બાંગ્લાદેશની ટીમે ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાને સતત ત્રણ મેચોમાં હરાવી દેવાની સફળતા બાંગ્લાદેશે મેળવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવાનો કમાલ બાંગ્લાદેશે પ્રથમ વાર કર્યો છે. આ સાથે જ બાંગ્લાદેશે ક્રિકેટમાં પ્રથમ વખત સિરીઝ જીતી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ થઇ ગઇ છે અને હવે આબરુ બચાવવા અંતિમ બંને ટી૨૦ મેચ જીતવા માટે યોજના ઘડવી પડશે. ત્રીજી ટી૨૦ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. બાંગ્લા ટીમે પ્રથમ બેટીંગ કરતા ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૨૭ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના બેટ્‌સમેન મહંમદુલ્લાહ રિયાદના અર્ધશતક ફટકાર્યુ હતુ, તેણે ૫૩ રન બનાવ્યા હતા. ૧૨૭ રન જે ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશે એક આસાન સ્કોર હતો. બાંગ્લાદેશને મર્યાદિત સ્કોર પર નિયંત્રીત રાખવામાં નાથન એલિસની ભૂમિકા મહત્વની રહી હતી. તેને ટી૨૦ ડેબ્યૂ મેચમાં જ હેટ્રીક વિકેટ ઝડપી હતી. તે પહેલો ડેબ્યૂટન્ટ બન્યો છે, જેણે ડેબ્યૂ મેચમાં હેટ્રીક મેળવી છે. આસાન સ્કોરને પાર પાડવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમો મેદાને ઉતરતા ૪ વિકેટ ગુમાવીને માત્ર ૧૧૭ રન જ બનાવ્યા હતા. જેમાં મિશેલ માર્શે અર્ધશતક લગાવ્યુ હતું. ઓપનર બેન મેકડિર્મોટ્ટે ૪૧ બોલમાં ૩૫ રન કર્યા હતા. જ્યારે ઓપનીંગ રમી રહેલ કેપ્ટન મેથ્યૂ વેડે માત્ર ૧ જ રન બનાવીને આઉટ થયો હતો. મોઇસીસી હેનરીક્સે ૩ બોલમાં ૨ રન કર્યા હતા. એલેક્સ કેરી ૧૫ બોલમાં ૨૦ રન અને ડેનિયલ ક્રિશ્વન ૧૦ બોલમાં ૭ રન કરી અણનમ રહ્યા હતા. આમ મજબૂત સ્થિતીમાં પણ નાટકીય રીતે ઓસ્ટ્રેલિયાએ હાર મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ ૧૯ મી ઓવરમાં માત્ર ૧ જ રન નિકાળ્યો હતો, જે તેની હાર નિશ્વિત કરી ચુકી હતી. ડાબોડી ઝડપી બોલર મુસ્તફિઝુર રહમાને પોતાની ૪ ઓવરમાં માત્ર ૯ રન આપીને કસીને બોલીંગ કરી હતી. જ્યારે શેરફુલ ઇસ્લામે ૨ વિકેટ ઝડપી હતી. તેમજ શાકિબ અલ હસન અને નુસુમ અહમદને ૧-૧ સફળતા મળી હતી. મેચ બાંગ્લાદેશના ઢાકામાં રમાઇ હતી.

Previous articleઅદિતિ અશોકને પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે સારા ભવિષ્યની શુભેચ્છા પાઠવી
Next articleભારત-ઈંગ્લેન્ડ પહેલી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને જેમ્સ એન્ડરસન વચ્ચે થઈ બોલાચાલી