મુંબઈ,તા.૭
છેલ્લા થોડા અઠવાડિયાથી અપકમિંગ શો ’બડે અચ્છે લગતે હૈ ૨’ અને તેના લીડ એક્ટર્સ અંગે ખાસ્સી ચર્ચાઓ ચાલી રહી છે. શોની કાસ્ટ અંગે ખાસ્સી અટકળો ચાલી રહી હતી અને ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ફિમેલ લીડ રોલ કરશે તેવી અફવા ફેલાઈ હતી. જોકે, દિવ્યાંકા ત્રિપાઠીને આ રોલ ઓફ થયો હતો પરંતુ તેણે નકારી દીધો. ત્યાર બાદ એક્ટર નકુલ મહેતા સાથે આ શોમાં ફિમેલ લીડ તરીકે દેવોલીના ભટ્ટાચાર્જી દેખાશે એવી પણ ચર્ચા ચાલી હતી. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે, શોના મેકર્સે લીડ રોલમાં નકુલ મહેતા અને દિશા પરમારને ફાઈનલ કરી દીધા છે. દિશા પરમાર અને નકુલ મહેતા અગાઉ સીરિયલ ’પ્યાર કા દર્દ હૈઃ મીઠા મીઠા પ્યારા પ્યારા’માં જોવા મળ્યા હતા. આઠ વર્ષ બાદ ફરી એકવાર દિશા અને નકુલ સાથે કામ કરવા જઈ રહ્યા છે. યોગી ઈટાઈમ્સ ટીવીને દિશા અને નકુલની શૂટિંગ કરતી એક્સક્લુઝિવ તસવીર મળી છે. જેને જોતાં લાગી રહ્યું છે કે, નકુલ અને દિશાએ ’બડે અચ્છે લગતે હૈ ૨’ માટે લૂક ટેસ્ટ આપ્યો છે. જોકે, અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને સૂત્રોએ જણાવ્યું છે કે, આ લૂક ટેસ્ટ નહીં પરંતુ શોના પહેલા દિવસના શૂટિંગની તસવીર છે. સામે આવેલી તસવીરમાં દિશા યલો અને વ્હાઈટ રંગના કોમ્બિનેશનના એથનિક ડ્રેસમાં જોવા મળી રહી છે. સાથે આ ડ્રેસ પર સ્કાર્ફ પહેર્યો છે. જ્યારે નકુલ બ્લૂ રંગના સૂટમાં જોવા મળે છે. આ તસવીર જોતાં તો નકુલ અને દિશાએ ઈન્ડસ્ટ્રીમાં કરિયર શરૂ કર્યું એ દિવસોની યાદ આવી જાય છે. જો ખરેખર નકુલ અને દિશાનું નામ ’બડે અચ્છે લગતે હૈ ૨’ માટે ફાઈનલ થયું છે તો તેઓ અદ્ભૂત કેમેસ્ટ્રીથી સ્ક્રીન પર ચોક્કસ જાદુ પાથરશે. સીરિયલ ’પ્યાર કા દર્દ હૈઃ મીઠા મીઠા પ્યારા પ્યારા’માં નકુલ મહેતા અને દિશા પરમારે આદિત્ય અને પંખુડીનો રોલ ભજવ્યો હતો. ૨૦૧૨થી ૨૦૧૪ સુધી ચાલેલા આ શોએ ખાસ્સી પોપ્યુલારિટી મેળવી હતી. દિશા અને નકુલની જોડી તેમજ કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.